બર્મિગહામમાં રમઝાન દરમિયાન સ્મોલ હીથમાં કોવેન્ટ્રી રોડ અને લેડીપૂલ રોડ પર કપડાં, પરફ્યુમ અને ખાદ્યપદાર્થો વેચતા પોપ-અપ માર્કેટ સ્ટોલ દ્વારા રસ્તાઓ અવરોધિત કરી અસામાજિક વર્તન, કચરો ફેંકવાના અને શોરબકોરની ફરિયાદ બાદ ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ અને પોલીસ અધિકારીઓએ કાયદેસર કાર્યવાહી કરતા રવિવારે 01:30 કલાકે પોલીસને ધક્કે ચઢાવી બોટલો ફેંકી હુમલો કરાયો હતો. આ હુમલામાં એક અધિકારીને સામાન્ય ઈજા થઈ હતી તો એક યુનિફોર્મધારી પોલીસ અધિકારીને ઘેરી લઇ તેની વાનમાં પાછો જતો હતો ત્યારે ભારે દુર્વ્યવહાર કરાયો હતો. મિસાઇલો ફેંકાયા બાદ ગુનાહીત નુકસાનના અસંખ્ય અહેવાલોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
બર્મિંગહામના કોવેન્ટ્રી રોડ અને લેડીપૂલ રોડ પર રમઝાન માસ દરમિયાન મોડી રાત્રિનું બજાર વિકસ્યું હતું જ્યાં મુસ્લિમો સૂર્યાસ્ત બાદ ઉપવાસ તોડતા હતા. ડીટેક્ટીવ ચિફ ઇન્સપેક્ટર ડેવિડ સ્પ્રોસને જણાવ્યું હતું કે ‘’આ હિંસા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. અધિકારીઓ સમુદાયને સુરક્ષા અને સારી જગ્યા આપવા માટે ત્યાં ગયા હતા જેમને આવી દુશ્મનાવટનો સામનો કરવો પડ્યો હતો”.
એક નિવેદનમાં, બર્મિંગહામ સિટી કાઉન્સિલના પ્રવક્તાએ કહ્યું હતું કે “અમે ઇચ્છીએ છીએ કે પવિત્ર રમઝાન મહિનાનું પાલન કરનારા લોકો ઉજવણીનો આનંદ માણે, અને અમે ખાતરી કરવા માંગીએ છીએ કે તે સમગ્ર સમુદાયના લાભ માટે સલામત રીતે અને કાયદાની અંદર થાય. જે બન્યું તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય હતું અને અધિકારીઓ સંયુક્ત ઓપરેશનના ભાગ રૂપે તેમનું કાર્ય કરી રહ્યા હતા.”
બર્ડેડ બ્રોઝ કોમ્યુનીટી ગૃપના નાવેદ સાદિકે રમઝાન દરમિયાન બજારના સ્ટોલને સત્તાવાર બનાવવા અપીલ કરી હતી.
ગ્રીન લેન મસ્જિદના સભ્યોએ આ ટોળાએ કરેલી હિંસાની નિંદા કરી હતી. મસ્જિદે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સપ્તાહો દરમિયાન રમઝાન માર્કેટ થકી અનધિકૃત ફૂડ આઉટલેટ્સની ઘણી ફરિયાદો જોવા મળી હતી. યુવાનો માતા-પિતાને મસ્જિદમાં જઇએ છીએ તેમ કહીને બજારોમાં ફરતા હતા. તો યુવાનોની ટોળી મહિલાઓ સહિત અન્ય લોકોને ડરાવતી હતી.
રહેવાસીઓ, સ્થાનિક વેપારીઓ, ઈમામ, કાઉન્સિલરો અને અન્ય લોકોએ ફરિયાદ કરતા વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે બર્મિંગહામ સિટી કાઉન્સિલ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. GLMCC ના ઇમામ ઇમામ મુસ્તફા અને ટ્રસ્ટીઓના અધ્યક્ષ મોહમ્મદ સઈદે સમુદાયને રમઝાન દરમિયાન સારી રીતભાત અને શિષ્ટાચાર બતાવવા અને તેમની ક્રિયાઓના જોખમો અને પરિણામોને ધ્યાનમાં લેવાની અપીલ કરી હતી.