દેશના 75માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધનમાં ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જણાવ્યું હતું કે રામમંદિર સાંસ્કૃતિક વારસાની ભારતની નિરંતર પુનઃશોધ તરીકે ઇતિહાસમાં અંકિત થશે. રામમંદિર માત્ર લોકોની આસ્થા જ વ્યક્ત કરતું નથી, પરંતુ ન્યાયિક પ્રક્રિયામાં આપણા દેશવાસીઓની અપાર શ્રદ્ધાનો પુરાવો પણ છે.
દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવતા તેમણે સરકારની કલ્યાણકારી યોજના, વિશ્વના વિવિધ વિસ્તારમાં સંઘર્ષનો ઉલ્લેખ કર્યો હતો. વર્ધમાન મહાવીર, સમ્રાટ અશોક અને મહાત્મા ગાંધીના ઉપદેશોને ટાંકીને રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે આપણે આશા રાખીએ કે સંઘર્ષમાં ફસાયેલા પ્રદેશો સંઘર્ષને ઉકેલવા અને શાંતિ લાવવા માટે શાંતિપૂર્ણ માર્ગ શોધી કાઢશે. અયોધ્યામાં નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે આ ઘટનાને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવશે ત્યારે ભાવિ ઇતિહાસકારો તેને ભારતની સંસ્કૃતિના વારસાની નિરંતર પુનઃશોધમાં એક સીમાચિહ્ન ગણશે. રામમંદિરનું નિર્માણ યોગ્ય ન્યાયિક પ્રક્રિયા અને સર્વોચ્ચ અદાલના નિર્ણય પછી ચાલુ થયું હતું. હવે તે એક ભવ્ય ઈમારત તરીકે ઉભું છે.
મુર્મુએ જણાવ્યું હતું કે ભારત દ્વારા આયોજિત ભવ્ય G20 સમિટે વ્યૂહાત્મક અને રાજદ્વારી બાબતોમાં નાગરિકોને સહભાગી બનાવવાના પાઠ પૂરા પાડ્યા છે. G20 સમિટે ગ્લોબલ સાઉથના અવાજ તરીકે ભારતના ઉદભવને પણ વેગ આપ્યો છે. દેશની અર્થવ્યવસ્થા વિશે તેમણે જણાવ્યું હતું કે ભારત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. રાષ્ટ્રના અમૃત કાલના પ્રારંભિક વર્ષોમાં નાગરિકોને પોતાની મૂળભૂત ફરજોનું પાલન કરવાનો અનુરોધ કરતાં તેમણે જણાવ્યું હતું કે ભારતને આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે એક વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે આ ફરજોનો પાલન દરેક નાગરિક માટે આવશ્યક ફરજ છે. અમૃત કાલનો સમયગાળો પણ અભૂતપૂર્વ ટેકનોલોજી પરિવર્તનનો સમયગાળો બનવા જઈ રહ્યો છે.આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી ટેક્નોલોજી ઝડપથી આપણા રોજિંદા જીવનમાં આવી રહી છે. નજીકના ભવિષ્યમાં ચિંતાના અસંખ્ય ક્ષેત્રો છે, પરંતુ ભવિષ્યમાં ખાસ કરીને યુવાનો માટે રોમાંચક તકો પણ છે