અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું 60 ટકાથી વધુનું નિર્માણ કાર્ય પૂર્ણ થવામાં છે અને મંદિરના ગભર્ગૃહમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની સંભિત તારીખ જાહેર કરાવમાં આવી છે. અયોધ્યામાં નિર્માણાધીન રામમંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ થશે. આ અંગેની માહિતી ઉત્તરપ્રદેશના નાણા પ્રધાન સુરેશ ખન્નાએ આપી છે. ખન્નાએ ટ્વિટ કરીને કહ્યું કે, 22 જાન્યુઆરીના ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા. જય શ્રી રામ.
સૂત્રોના જણાવ્યા મુજબ, રામ મંદિરમાં નવી અને જૂની બંને રામ પ્રતિમાઓની સ્થાપના કરાશે. રામમંદિરના ગર્ભગૃહને એ પ્રકારે બનાવવામાં આવ્યું છે કે, રામની મૂર્તિ પર રામનવમીના દિવસે સૂર્યના કિરણો સીધા પડશે. મંદિરમાં ભગવાન રામની મૂર્તિની ઊંચાઈ 5થી 5.5 ફુટ સુધી રહેશે. મૂર્તિ બનાવવા માટે જે પથ્થરનો ઉપયોગ થઈ રહ્યો છે, તે નેપાળમાંથી મગાવવામાં આવ્યા છે. કહેવાય છે કે, આ પથ્થર હજારો વર્ષ જૂનો છે.
અત્યારે રામ મંદિરના ગર્ભગૃહનું નિર્માણકામ ઝડપથી ચાલી રહ્યું છે, જેથી હવે ગર્ભગૃહનો આકાર પણ દેખાવવા લાગ્યો છે. ગર્ભગૃહ માટે બનાવવામાં આવેલા પિલરોનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે છત બનાવવાનું કામ શરૂ થયું છે. શ્રીરામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટ મુજબ ગર્ભગૃહને પૂર્ણ કરવા માટે સપ્ટેમ્બરના મહિના સુધીનો સમય નક્કી કર્યો છે. જ્યારે ઓક્ટોબર મહિના સુધીમાં મંદિરનું પ્રથમ તળ બનીને તૈયાર થઈ જશે. પ્રથમ તળમાં રામ દરબાર હશે, જ્યારે બીજું તળ ખાલી રહેશે, તેને મંદિરની ઊંચાઈ વધારવા માટે તૈયાર કરવામાં આવશે.
આ ઉપરાંત મે-2024માં દેશની લોકસભાની ચૂંટણી યોજાશે. સત્તાધારી ભાજપ પક્ષે પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ રામમંદિર નિર્માણનું વચન આપ્યું હતું, આથી આવનારી લોકસભાની ચૂંટણી પહેલા મંદિર દર્શનાર્થે ખૂલ્લુ મૂકવામાં આવે તેવા પ્રયાસો ભાજપના રહેશે. ઉત્તર પ્રદેશમાં પણ ભાજપ સરકાર છે અને તેમના માટે પણ રામ મંદિરનું કાર્ય પૂર્ણ કરવું જરૂરી છે.