રામનવમીની શોભાયાત્રા દરમિયાન રવિવાર (10 એપ્રિલે)એ હિંમતનગર અને આણંદ જિલ્લાના ખંભાતમાં કેટલાંક અસામાજીક તત્વોએ રથયાત્રા પર પથ્થરમારો કરતો એક વ્યક્તિનું મોત થયું હતું અને આશરે 25 લોકો ઘાયલ થયા હતા. કોમી ઘટનાને બંને શહેરોમાં તંગદિલી સર્જાતા પોલીસે બળપ્રયોગ કરવો પડયો હતો. હિંમતનગરમાં ટોળાને કાબુમાં લેવા માટે 150થી વધુ ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
હિંમતનગરમાં જિલ્લા પોલીસ વડા સહિત 3 પોલીસ કર્મચારીઓને ઇજાઓ થઈ હતી. ઉશ્કેરાયેલા ટોળા દ્વારા બંને શહેરોમાં કેટલીકસ દુકાનો અને વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બંને શહેરોમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
આણંદ જિલ્લાના ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન બપોરના આશરે ત્રણે વાગ્યે શોભાયાત્રા સિધ્ધેશ્વરી સોસાયટીના રૂટથી આગળ વધી રહી હતી તે સમયે કેટલાંક લોકોએ પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યુ હતું. તેનાથી ટાવર બજાર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી અને 5 જેટલી દુકાનોમાં તોડફોડ કરીને આગ લગાવી હતી. આ ઘટનામાં 7થી 8 લોકોને ઇજાઓ પહોંચી હતી. એક આઘેડને માથામાં ગંભીર ઇજાઓ થતા સારવાર માટે પેટલાદ લઇ જવામાં આવ્યા હતા, જો કે રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. બીજી તરફ સ્થિતિ વધુ તંગ બનતા અંતે પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે 5થી વધારે ટીયર ગેસના સેલ છોડયા હતા તેમજ અનેક લોકોની અટકાયત કરી હતી.
જ્યારે હિંમતનગરમાં રામનવમીની ઉજવણીના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બપોરના 2:00 વાગ્યાના સુમારે શહેરના છાપરીયા વિસ્તારમાંથી શોભાયાત્રા પસાર થઇ રહી હતી તે સમયે અસામાજીક તત્વો દ્વારા શાંતિ ડહોળવાના બદઇરાદે શોભાયાત્રા પર પથ્થરમારો કરાયો હતો. આ સમયે પોલીસ અને શોભાયાત્રામાં જોડાયેલા લોકો કંઇ સમજે તે પહેલા ચારેતરફથી થતા પથ્થરમારાને કારણે નાસભાગ મચી ગઇ હતી. પોલીસે પથ્થરમારો કરી રહેલા તત્વોને પકડવાનો પ્રયાસ કરાતા તેમના પર હુમલો થયો હતો. શોભાયાત્રા પર પથ્થરમારોનો મેસેજ મળતા રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા તેમજ LCB, SOGની ટીમને બોલાવી લેવામાં આવી હતી. આ સમયે ટોળાએ પોલીસના 2 વાહનો સહિત 5 જેટલા વાહનોમાં આગ ચાંપી દીધી હતી. જ્યારે કેટલાંક લોકોએ 7થી 8 દુકાનોને સળગાવી દીધી હતી. આ સમયે લગભગ દોઢથી બે કલાકની જહેમત બાદ સ્થિતિને કાબુમાં લેવામાં આવી હતી અને બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
હિંમતનગરમાં વિશ્વ હિંદુ પરિષદે બીજી શોભાયાત્રા કાઢી હતી. જેનો રૂટ પણ છાપરીયા વિસ્તારમાંથી પસાર થતો હોવાથી પોલીસ બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રાને પસાર કરવાનો નિર્ણય લેવાયો હતો. જો કે આ સમયે પણ છાપરીયા વિસ્તારમાંથી પસાર થતા સમયે અચાનક પથ્થરમારો શરૂ થતાં ફરીથી તંગદિલી સર્જાઈ હતી. જેમાં જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાને પણ ઇજાઓ પહોંચી હતી. પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે 150થી વધુ ટીયર ગેસના સેલ છોડયા હતા અને 20થી વધુ લોકોની ધરપકડ કરી હતી. સાથે સાથે આ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો.