(ANI Photo)

અયોધ્યામાં આગામી વર્ષે 22 જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં ભક્તો આવવાની ધારણા છે ત્યારે તેમને સમાવવા માટે રામનગરીમાં અનેક ટેન્ટ સિટી બનાવવામાં આવી રહ્યાં છે.

ઉત્તરપ્રદેશ સરકારના નિવેદન અનુસાર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને અયોધ્યા વિકાસ સત્તામંડળ માઝા ગુપ્તા ઘાટ, બાગ બીજેસી અને બ્રહ્મકુંડ જેવા સ્થળોએ આ ટેન્ટ સિટી સ્થાપી રહ્યાં છે. અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીના સચિવ સત્યેન્દ્ર સિંહને ટાંકીને નિવેદનમાં જણાવાયું છે કે માઝા ગુપ્તાર ઘાટમાં 20 એકર જમીનમાં ટેન્ટ સિટી બનાવવામાં આવશે અને તેમાં લગભગ 20,000 થી 25,000 શ્રદ્ધાળુઓ સમાવી શકશે.

અયોધ્યા ધામમાં બ્રહ્મકુંડ પાસે 35 મોટા ટેન્ટ હશે અને લગભગ 30,000 શ્રદ્ધાળુઓ માટે સુવિધા ઊભી કરાશે. બાગ બિજેસીમાં ટેન્ટ સિટી 25 એકર જમીનમાં બનાવવામાં આવી રહ્યું છે, જે લગભગ 25,000 લોકોને સમાવી શકશે. કારસેવક પુરમ અને મણિરામ દાસ કેન્ટોનમેન્ટ ખાતે પણ ભક્તો માટે આવી સુવિધાઓ સ્થાપિત કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું હતું કે આ સમારંભ શિયાળા યોજાશે, તેથી આ ટેન્ટો એવી રીતે બાંધવામાં આવશે કે શ્રદ્ધાળુઓને કડકડતી ઠંડીથી રાહત મળી શકે. ગાદલા અને ધાબળા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. આ ટેન્ટ સિટીમાં શૌચાલય, ખાદ્યપદાર્થોના સંગ્રહની વ્યવસ્થા અને મેડિકલ કેમ્પ હશે.

દેશભરમાંથી તેમજ વિશ્વભરમાંથી અયોધ્યામાં આવનારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના આદેશને પગલે આ વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments