ઇસ્ટ લંડનમાં આવેલી હૈદરાબાદી રેસ્ટોરન્ટમાં બે વર્ષ પહેલાં કેરળની 20 વર્ષની વિદ્યાર્થીની અને પૂર્વ ગર્લફ્રેન્ડની હત્યાના પ્રયાસ બદલ ભારતીય મૂળના 25 વર્ષીય રામ અંબારલાને 16 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેણે ગત ગુરુવારે ઓલ્ડ બેઈલી કોર્ટમાં પોતે દોષીત હોવાનું કબૂલ્યું હતું.
યુવતીને છરા માર્યા પછી અંબરલાએ પોલીસનો સંપર્ક કરી કહ્યું હતું કે તેણે તેની “ગર્લફ્રેન્ડ”ને છરી મારી છે. બાદમાં તેણે કહ્યું હતું કે તેને ભારત પરત મોકલવામાં આવે જેથી તેને મૃત્યુદંડ આપવામાં આવે.
છરાના નવ ઘા વાગતા યુવતીને છ શસ્ત્રક્રિયાઓમાંથી પસાર થતાં લગભગ એક મહિનો લાગ્યો હતો અને તેણીને ક્રિટીકલ કેરમાં રાખવામાં આવી હતી. બે ફોરેન્સિક મનોવૈજ્ઞાનિકોએ અંબરલાનું મૂલ્યાંકન કરી તારણ કાઢ્યું હતું કે તે એક ખતરનાક ગુનેગાર હતો અને તેમણે નકારી કાઢ્યું હતું કે હુમલા દરમિયાન “બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર” તેના નિર્ણયને નોંધપાત્ર રીતે બગાડી શકે છે.
તેઓ બંને 2022માં યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડનમાં અભ્યાસ કરવા યુકે આવ્યા હતા. સમય જતા અંબરલાએ વિદ્યાર્થીનીનો પીછો કરી શારીરિક ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. અંબરલા પોતાની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડને હૈદરાબાદમાં મળ્યો હતો અને 2019માં તેઓ અલગ થઈ ગયા હતા. તે યુવતી રેસ્ટોરન્ટમાં વેઇટ્રેસ તરીકે પાર્ટ-ટાઇમ કામ કરતી હતી અને તેણીએ માસ્ટર કોર્સ પૂર્ણ કર્યો હતો.