રોજર ફેડરર અને થિયમ પછી મોખરાના આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી, સ્પેઈનનો રફેલા નડાલ ઈજાગ્રસ્ત થતાં હવે યુએસ ઓપનમાં રમશે નહીં. આ રીતે, એક જ કેલેન્ડર વર્ષમાં ચારે ય ગ્રાન્ડ સ્લેમ જીતીને ‘કેલેન્ડર સ્લેમ’ હાંસલ કરવા માટેની યોકોવિચનો માર્ગ સરળ બન્યો છે.
નડાલની વર્ષો જૂની ઈજા વધુ ગંભીર બની છે, જેના કારણે ડોક્ટરોએ તેને હવે આરામ કરવાની સલાહ આપી છે. હવે તે ૨૦૨૧ની સિઝનની બાકીની કોઈપણ ટુર્નામેન્ટમાં રમવાનો નથી.
આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન ટ્રોફી જીતી ચૂકેલો યોકોવિચ હવે ૨૯મી ઓગસ્ટથી શરૃ થઈ રહેલી સિઝનની ચોથી અને છેલ્લી ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશિપ યુએસ ઓપન જીતવા માટે ફેવરિટ મનાય છે. યોકોવિચ યુએસ ઓપન જીતી લેશે તો ૨૧મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ હાંસલ કરીને સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવાનો રેકોર્ડ નોંધાવશે.
૨૦ ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલા નડાલને પગની ઈજા ૨૦૦૫થી સતાવી રહી છે. જોકે હવે તે વધુ ગંભીર બનતાં તેને બાકીની ટુર્નામેન્ટમાં નહીં રમવાની ફરજ પડી છે. ૨૦૧૯માં નડાલ યુએસ ઓપનમાં વિજેતા રહ્યો હતો.