સામુદાયિક કાર્યક્રમોના સફળ સપ્તાહ દરમિયાન વડતાલ ધામના ગાદીપતિ પ. પૂ. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે લેસ્ટરના શ્રી સાળંગપુર હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે અન્ય ભક્તો સાથે ભગવાન શ્રી કૃષ્ણ જન્મદિવસની ઉજવણી કરી હતી.
આ ઉજવણીમાં શ્રી સાળંગપુર હનુમાન મંદિર ખાતે સ્થાનિક સમુદાયના સભ્યો અને કાઉન્સિલર સિંહ સહિત સ્થાનિક નેતાઓ જોડાયા હતા અને સૌએ સાથે પ્રસાદ લીધો હતો. મંદિરના સેક્રેટરી રાજેશ પટેલે જણાવ્યું હતું કે આ અઠવાડિયું જબરદસ્ત સફળ રહ્યું હતું.
ત્રીસ વર્ષ પહેલાં, યુકેના ભક્તોએ ભારતમાં હનુમાન મંદિરની મુલાકાત લઇ લેસ્ટરમાં પણ મંદિરની ઇચ્છા કરી હતી. 2003 માં, ભારત સ્થિત સાળંગપૂર મંદિરના મુખ્ય સંતોએ લેસ્ટરની મુલાકાત લીધી હતી.
2007માં મંદિરની ચેરિટીએ સમગ્ર લેસ્ટરમાં વિવિધ સ્થળોએ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું અને ટ્રસ્ટીઓએ શહેરના મેલ્ટન રોડ પર એક ભૂતપૂર્વ પોલીસ સ્ટેશન ખરીદી તેમાં મંદિરની સ્થાપના કરી હતી. સમુદાયની જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે પૂરી કરવા માટે તેના નવીનીકરણ બાદ 2021માં તેની શૂઆત કરી હતી.
તસવીર સૌજન્ય: માઇક સેવેલ