ભારતના બિલિયોનેર રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ નવી એરલાઇન ચાલુ કરવાની યોજના બનાવી છે અને ચાર વર્ષમાં 70 વિમાનાનો કાફલો તૈયાર કરવાની વિચારણા કરી રહ્યા છે.
એરલાઇનમાં 35 મિલિયન ડોલરનું રોકાણ કરીને 40 ટકા હિસ્સાના માલિક બનવાની વિચારણા કરી રહેલા ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું કે ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાસેથી આગામી 15 દિવસમાં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળવાની તેમને ધારણા છે. આ અલ્ટ્રા લો કોસ્ટ એરલાઇનનું નામ આકાશ એર હશે. આ એરલાઇનના મેનેજમેન્ટ ટીમમાં ડેલ્ટા એર લાઇન્સના ભૂતપૂર્વ સિનિયર એક્ઝિક્યુટિવનો સમાવેશ કરવામાં આવશે. તેઓ 180 મુસાફરોની ક્ષમતા સાથેના વિમાનોની વિચારણા કરી રહ્યાં છે.
ઝુનઝુનવાલા ભારતના માર્કેટમાં વોરેન બફેટ તરીકે ઓળખાય છે. ભારતમાં તીવ્ર સ્પર્ધા અને ઊંચા ખર્ચને કારણે કેટલીક એરલાઇન્સ બંધ થઈ છે, ત્યારે તેમને એવિયેશનમાં બાજી લગાવી છે. રાકેશ ઝુનઝુનવાલા અને એક વિદેશી રોકાણકાર સિવાય આ સંપૂર્ણ યોજનામાં એવિયેશન ઈન્ડસ્ટ્રીના અમુક દિગ્ગજો પણ જોડાય એવી શક્યતા છે.