શેરબજારના જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની એરલાઈન આકાશ એરે મંગળવારે 72 બોઇંગ 737 મેક્સ જેટનો ઓર્ડર આપ્યો હતો. કંપનીના આ ઓર્ડરનું મૂલ્ય આશરે 9 બિલિયન ડોલર છે. અગાઉ અહેવાલ હતા કે ઝુનઝુનવાલા 70 જેટલા પ્લેન ખરીદી શકે છે. 72 બોઈંગ 737 MAXનો સોદો 9 બિલિયનમાં થયો હોવાની ચર્ચા છે.
આકાશ એરના સીઈઓ વિનય દુબેએ આ અંગે જણાવ્યું હતું કે નવા 737 MAX પ્લેનથી માત્ર ખર્ચ જ નહીં બચે, પરંતુ તેની સાથે એરલાઈનને એફોર્ડેબલ અને વિશ્વાસપાત્ર બનાવવા અને પર્યાવરણની રક્ષા કરવામાં પણ મદદ મળશે. તેમણે ઉમેર્યું હતું કે ભારત દુનિયાના સૌથી ઝડપથી વધતા એવિએશન માર્કેટમાંનું એક છે. એર ટ્રાવેલમાં મજબૂત રિકવરીની શક્યતા છે, જેને જોતા આગામી દાયકામાં આ સેક્ટર પ્રગતિ કરશે.
આકાશ એર દ્વારા અપાયેલા ઓર્ડરમાં બે પ્રકારના વેરિયંટના પ્લેન આવશે. જેમાં પહેલું પ્લેન છે 737-8 જ્યારે બીજું પ્લેન છે 737-8-200. એક અંદાજ અનુસાર, ભારતમાં આગામી 20 વર્ષમાં 2200 નવા એરક્રાફ્ટની જરુર પડશે, જેની કિંમત 320 બિલિયન ડોલર થાય છે.
આકાશની શરુઆત દુબે અને તેના સહકર્મીઓ પ્રવીણ ઐયર અને અરવિંદ શ્રીનિવાસન સાથે કરી હતી. જેમાં ઈન્ડિયોના પૂર્વ પ્રેસિડેન્ટ આદિત્ય ઘોષનો પણ સમાવેશ થાય છે. એરલાઈનને 11 ઓક્ટોબરના રોજ ફાઈનલ અપ્રુવલ લેટર મળી ગયો હતો. કંપની 2022ની મધ્યમાંથી પોતાનું કામકાજ શરુ કરવાનું આયોજન ધરાવે છે.
હાલ ભારતમાં ઈન્ડિયોની ગણના સૌથી મોટી ડોમેસ્ટિક એલાઈન્સ તરીકે થાય છે. ત્યારબાદ સ્પાઈસજેટનો નંબર આવે છે. એરલાઈન ચલાવવી આમ તો દુનિયાના સૌથી મુશ્કેલ બિઝનેસમાંનો એક છે. કારણકે, તેના બિઝનેસને આંતરરાષ્ટ્રીય ફેક્ટર્સ પણ ખૂબ જ અસર પહોંચાડતા હોય છે. તેવામાં એરલાઈન્સને ખૂબ જ ઓછા માર્જિન પર કે પછી ક્યારેક તો ખોટ ખાઈને પણ કામકાજ ચાલુ રાખવાના દિવસો આવતા હોય છે.