રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુએ સોમવારે વિરોધ પક્ષોના આઠ સાંસદને એક સપ્તાહ માટે ગૃહની બાકીની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. રવિવારે કૃષિ સાથે જોડાયેલાં બે બિલ મુદ્દે રાજ્યસભામાં જોરદાર હોબાળો થયો હતો અને ગૃહના મધ્યમમાં ધસી જઇને વિપક્ષી સાંસદોએ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. ઉપસભાપતિ હરિવંશનું માઈક પણ તોડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો.
રાજ્યસભાના ચેરમેન એમ વૈંકયા નાઇડુએ ડેપ્યુટી ચેરમેન હરિવંશ સામેની અવિશ્વાસની દરખાસ્ત પણ ફગાવી દીધી હતી. નાઇડુએ કૃષિ બિલની ચર્ચા દરમિયાન કેટલાંક સાંસદોના અયોગ્ય વર્તન અને હરિવંશ સામે સાથેના વ્યવહારની ટીકા કરી હતી. સંસદીય બાબતોના પ્રધાને ગૃહના બાકીના સેશન માટે આઠ સભ્યોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત વાંચ્યા બાદ નાઇડુએ તેના પર મતદાન કરાવ્યા હતા અને આ દરખાસ્તને ધ્વની મતથી મંજૂર કરવામાં આવી હતી. જોકે વિરોધ પક્ષના સભ્યોએ આ નિર્ણયની વિરોધમાં વિરોધ કર્યો હતો અને તેનાથી ગૃહની કાર્યવાહી 20 મિનિટ માટે સ્થગિત કરવામાં આવી હતી.
ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા સાંસદોમાં તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રાયન, કોંગ્રેસના રાજીવ સાતવ, આમ આદમી પાર્ટીના સંજય સિંહ તથા બીજા પક્ષોના કે કે રાગેશ, રિપુન બોરા, ડોલા સેન, સૈયદ નઝીર હુસૈન અને ઈલામારન કરીમનો સમાવેશ થાય છે. આ તમામ સભ્યો સામે સંસદમાં અયોગ્ય વ્યવહાર કરવાનો આરોપ છે.