ભાજપે ગુજરાતની ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોની પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામની મંગળવારે જાહેરાત કરી હતી. પક્ષે પહેલી માર્ચે યોજાનારી ચૂંટણી માટે રામભાઈ મોકરિયા અને દીનેશ પ્રજાપતિ (અનાવાડિયા)ના નામની જાહેરાત કરી છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ અને અહમદ પટેલના નિધન બાદ બે સીટો ખાલી થઈ હતી.
દિનેશ પ્રજાપતિ ભાજપના ઓબીસી મોરચાના પ્રેસિડન્ટ છે અને રામભાઈ મોકરિયા એક કુરિયર કંપનીના સહ-સ્થાપક છે. દિનેશ પ્રજાપતિ બનાસકાંઠા જિલ્લાના ભાજપના વરિષ્ઠ નેતા છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ બંને બેઠકો માટે પહેલી માર્ચે અલગ-અલગ ચૂંટણી યોજાશે અને સાંજે મતગણતરી થશે. ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 111 અને કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 65 છે.
રામભાઈ મોકરિયા
રામભાઈ મોકરીયા મૂળ પોરબંદરનાં વતની છે અને રાજકોટ ખાતેની મારૂતિ કુરિયરનાં માલિક તથા ભાજપના જુના કાર્યકર્તા છે. 2019ની લોકસભા ચૂંટણી માટે તેઓ પોરબદર બેઠક પર પ્રબળ દાવેદાર હતાં પણ પસંદગી થઈ નહોતી. રામભાઇ મોકરિયા ખેડૂત પુત્ર છે. તેમણે રૂ. 5 હજાર વ્યાજે લઇને મારૂતિ કુરિયરની સ્થાપના કરી હતી. આજે આ કુરિયર કંપની વર્ષે રૂ. 400 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી હોવાનો અંદાજ છે.
દિનેશ પ્રજાપતિ
ભાજપે દિનેશભાઈ પ્રજાપતિ (અનાવાડિયા)ને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. દિનેશ અનાવાડિયા ડિસા ભાજપના આગેવાન છે અને વર્ષોથી સંઘ સાથે જોડાયેલા છે. એટલું જ નહીં, તેઓ ગુજરાત ભાજપમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ પણ છે. તેઓ 2014-17 દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના ડિરેક્ટર પણ હતા.