રાજ્યસભાની 11 બેઠકો માટે નવ નવેમ્બરે ચૂંટણી યોજાશે. આમાંથી ઉત્તરપ્રદેશની દસ બેઠકો અને ઉત્તરાખંડની એક બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠકો આગામી મહિને ખાલી પડશે, એવી ચૂંટણીપંચે મંગળવારે જાહેરાત કરી હતી.
નિર્ધારિત પરંપરા મુજબ મતદાન બાદ નવ નવેમ્બરે સાંજે મતગણતરી થશે. આ ચૂંટણી અંગેનું જાહેરનામું 20 ઓક્ટોબરે જારી કરવામાં આવશે.કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પૂરી અને એસપી નેતા રામ ગોપાલ યાદવ સહિત ઉત્તરપ્રદેશના રાજ્યસભાના દસ સભ્યો 25 નવેમ્બરે નિવૃત થશે. રાજ્યસભાના સભ્ય તરીકે રાજબબ્બરની મુદત 25 નવેમ્બરે પૂરી થાય છે. અભિનેતામાંથી નેતા બનેલા રાજ બબ્બર ઉત્તરાખંડમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા.