શિવકથાકાર રાજુ બાપુની ઠાકોર-કોળી સમાજ અંગેની એક કથિત ટીપ્પણીથી આ બંને સમાજના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ ટીપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયામાં બહાર આવ્યા પછી રાજુ બાપુએ માફી માગી હતી. જોકે મહેશ કોળી નામના વ્યક્તિએ રાજુબાપુ વિરુદ્ધ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ વીડિયોની તપાસ ચાલુ કરી હતી.
19 મેએ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલા સિમર ગામે શિવ પુરાણ કથા દરમિયાન રાજુ બાપુએ કથિત રીતે કહ્યું હતું કે આવા સમાજમાં ઉચ્ચ જ્ઞાતિના લોકોએ લગ્ન ન કરવા જોઈએ.
પોલીસ ફરિયાદ બાદ તેમની અટકાયત કરાઈ હતી અને પછી જામીન પર મુક્ત કરાયા હતાં. બીજી તરફ જાહેરમાં માફી માંગવાની માંગ સાથે મારેલીમાં રાજુબાપુના નિવાસ સ્થાને કોળી અને ઠાકોર સમાજના લોકો એકઠા થયાં હતાં. દરમિયાન પોલીસની હાજરીમાં રાજુબાપુએ પોતાના નિવાસસ્થાન બહાર આવીને કોળી અને ઠાકોર સમાજના લોકોની રડીને અને હાથ જોડીને માફી માંગી હતી અને પોતાની ભૂલ થઇ હોવાનું કહી માફ કરવા અનુરોધ કર્યો હતો.