દક્ષિણ ભારતના ફિલ્મી સુપરસ્ટાર રજનીકાંતએ આખરે રાજકારણમાં ઝુકાવવાનું અને પોતાનો નવો રાજકીય પક્ષ સ્થાપવાની ગુરુવારે જાહેરાત કરી હતી. અભિનેતાએ 2021માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં લડવાની પણ જાહેરાત કરી છે. તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓ 31 ડિસેમ્બરે પાર્ટીની સત્તાવાર જાહેરાત કરશે.
રજનીકાંત ઘણા મહિનાઓથી રાજકારણમાં સક્રિય છે, પરંતુ આજે પહેલીવાર તેમણે પોતાની પોલિટિકલ એન્ટ્રી વિશે જાહેરાત કરી હતી. રાજકીય પક્ષ બનાવવા અને વિધાનસભા ચૂંટણીમાં ઊતરવાની જાહેરાત બાદ તમિલનાડુના રાજકારણમાં વધુ એક અભિનેતાની એન્ટ્રી થશે. તમિલનાડુના રાજકારણમાં ફિલ્મ કલાકારની રાજકારણમાં સફળ ઇનિંગ્સનો લાંબો ભૂતકાળ છે.
રજનીકાંતે ગયા વર્ષે અભિનેતા કમલ હાસનની સાથે ગઠબંધન કરવાની હિલચાલ કરી હતી. તે સમયે રજનીકાંતે કહેલું કે રાજ્યની જનતાનાં હિતને જોતાં જો કમલ હાસન સાથે ગઠબંધન કરવાની સ્થિતિ ઊભી થશે તો તેઓ એકબીજા સાથે હાથ મિલાવતાં ખચકાશે નહીં.