(PTI Photo)

સાઉથ સિનેમાના દિગ્ગજ અભિનેતા રજનીકાંતને 51મા દાદા સાહેબ ફાળકે પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે ગુરૂવારે આ અંગેની જાહેરાત કરી હતી. દાદા સાહેબ ફાળકે એવોર્ડને ભારતીય સિનેમાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ માનવામાં આવે છે. તમિલનાડુમાં છ એપ્રિલે વિધાનસભાની ચૂંટણી પહેલા આ જાહેરાત કરવામાં આવી છે. 70 વર્ષીય રજનીકાંત તમિલનાડુમાં રહે છે અને ત્યાં તેમના અનેક ચાહકો છે. રજનીકાંતને ત્રણ મેએ આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.

પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, રજનીકાંત છેલ્લા 5 દશકાથી સિનેમાની દુનિયા પર રાજ કરી રહ્યા છે અને લોકોનું મનોરંજન કરી રહ્યા છે. આ કારણે જ દાદા સાહેબ ફાળકેની જ્યુરીએ આ વખતે રજનીકાંતને આ એવોર્ડ આપવાનો નિર્ણય લીધો છે.’ આ વર્ષે જ્યુરી દ્વારા નામની પસંદગી કરવામાં આવી છે. આ જ્યુરીમાં સામેલ આશા ભોંસલે, મોહનલાલ, વિશ્વજીત ચેટરજી, શંકર મહાદેવન અને સુભાષ ઘાઈ સહિત પાંચેય સભ્યોએ સર્વસંમતીથી રજનીકાંતને એવોર્ડ આપવા ભલામણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ અને ફિલ્મ પર્સનાલિટીએ આ એવોર્ડ માટે રજનીકાંતને અભિનંદન આપ્યા હતા.