દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપર સ્ટાર રજનીકાંતની રાજકીય કારકિર્દીનો પ્રારંભ પહેલા જ અંત આવ્યો છે. તેમણે સોમવારે રાજકારણને અલવિદા કર્યું હતું અને પોતાના રાજકીય પક્ષ રજની મક્કલ મંન્દ્રમ(RMM)ને પણ વિખેરી નાંખ્યો હતો.
ચેન્નાાઇમાં RMMના હોદ્દેદારો અને ચાહકો સાથે બેઠક કર્યા બાદ રજનીકાંતે કહ્યું હતું કે, હું પક્ષના હોદ્દેદારો અને ચાહકોનો આભાર માનું છું. રાજકારણમાં પ્રવેશ ન કરવાના મારા નિર્ણય બાદ રાજકીય પક્ષ અંગે ઘણા સવાલ ઊભા થયા હતા, તેની સ્પષ્ટતા કરવાની મારી જવાબદારી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં રાજકારણમાં આવવાની કોઈ યોજના નથી. હવે મારુ સંગઠન રજની રસીગર નરપાની મંદરામના નામથી લોકોના હિત માટે કામ કરતું રહેશે. તમિલનાડુની વિધાનસભાની ચૂંટણી પહેલા તેમણે રાજકારણમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી હતી. રજનકાંતે એમ પણ કહ્યું હતું કે, જાન્યુઆરી 2021માં હું પાર્ટી લોન્ચ કરીશ અને આ પાર્ટી તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી પહેલા લોન્ચ થવાની હતી પણ ડિસેમ્બરમાં રજનીકાંતે યુ ટર્ન માર્યો હતો અને રાજકારણમાં નહીં આવવાની જાહેરાત કરી હતી.