સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે ટોચના સૈન્ય કમાન્ડરોને ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચાંપતી તકેદારી જાળવવા ટોચના આર્મી કમાન્ડર્સને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે પીપલ્સ લિબરેશન આર્મીએ સૈનિકો તૈનાત કર્યા હોવાથી ઉત્તરીય સેક્ટરમાં પરિસ્થિતિ તંગ છે.
આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સમાં રાજનાથે પૂર્વી લદ્દાખ સરહદ વિવાદનો ઉલ્લેખ કરીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આર્મી કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ છે, પરંતુ મુદ્દાના શાંતિપૂર્ણ ઉકેલ માટે પણ વાટાઘાટો ચાલુ રહેશે.
સરહદ પર તંગદિલીમાં ઘટાડો શ્રેષ્ઠ માર્ગ હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે આત્યંતિક હવામાન અને દુશ્મન દળોનો સામનો કરીને દેશની અખંડિતતાની રક્ષા કરતા સૈનિકોને શ્રેષ્ઠ શસ્ત્રો, સાધનો અને કપડાંની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સર્વગ્રાહી અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે.
સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે દેશની આર્મી એક સૌથી વધુ વિશ્વસનીય અને પ્રેરણાદાયી સંગઠન હોવાનો દેશના એક અબજ નાગરિકોને સંપૂર્ણ વિશ્વાસ છે. નોર્ધન સેક્ટરમાં PLA સૈનિકોની તૈનાતીને કારણે પરિસ્થિતિ તંગ છે. અમારા સશસ્ત્ર દળો, ખાસ કરીને ભારતીય સેનાએ LACની સુરક્ષા જાળવવા માટે સતત તકેદારી રાખવી પડશે. દેશની સુરક્ષા સરકાર માટે સૌથી ટોચની પ્રાથમિકતા છે.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યા અનુસાર રાજનાથે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનની પ્રશંસા કરતા કહ્યું કે તેના પ્રયાસોથી સરહદી વિસ્તારોમાં માર્ગ વ્યવહારમાં અજોડ સુધારો થયો છે.
પાંચ દિવસીય આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સનો સોમવારથી પ્રારંભ થયો હતો. તે ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો પર ભારતના રાષ્ટ્રીય સુરક્ષા પડકારો અને આર્મીની લડાઇ ક્ષમતા વધારવાના માર્ગો પર ચર્ચાવિચારણા કરશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, નેવી ચીફ એડમિરલ આર હરી કુમાર અને એર ચીફ માર્શલ વી આર ચૌધરીએ પણ કમાન્ડરોને સંબોધિત કર્યા હતા.