કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે જણાવ્યું હતું કે ભારત લડાખમાં ચીન સાથે સીમાવિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ છે, પરંતુ હાલની સ્થિતિમાં એકપક્ષીય ફેરફાર કરવાના કોઇ પણ પ્રયાસ અસ્વીકાર્ય છે.
લોકસભામાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારતીય લશ્કરે 15 જૂને ગલવાન વેલીમાં ચીનની સેના સાથેના સંઘર્ષ દરમિયાન ચીનના પક્ષે જાનહાની સાથે ચીનને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. એપ્રિલથી પૂર્વ લડાખના સરહદી વિસ્તારમાં ચીન દ્વારા લશ્કરી દળો અને દારુગોળની જમાવટ જોવા મળી છે. રાજનાથે જણાવ્યું હતું કે મેના પ્રારંભમાં ચીનની સેનાએ ગલવાન વેલી એરિયામાં ભારતીય લશ્કરીના પરંપરાગત પેટ્રોલિંગ માર્ગમાં અવરોધ ઊભો કર્યો હતો, તેનાથી સંઘર્ષ થયો હતો. બંને દેશો વચ્ચેની સમજૂતી અને પ્રોટોકોલની જોગવાઈ મુજબ આ મુદ્દાનો ગ્રાન્ડ કમાન્ડર દ્વારા ઉકેલ લાવવામાં આવ્યો હતો, પરંતુ મેના મધ્યભાગમાં ચીનની સેનાએ વેસ્ટર્ન સેક્ટરના બીજા ભાગોમાં એલએસીનું ઉલ્લંઘન કરવાના કેટલાંક પ્રયાસ કર્યા હતા. આવા ભારતના લશ્કરે આવા પ્રયાસોનો યોગ્ય જવાબ આપ્યો હતો.
રાજનાથે જણાવ્યું હતું કે અમે રાજદ્વારી અને લશ્કરી ચેનલ મારફત ચીન સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે ચીન આવા પ્રયાસો મારફત હાલની સ્થિતિમાં એકપક્ષીય રીતે ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને તે ભારતને સ્વીકાર્ય નથી. રાજનાથ સિંહના આ નિવેદન બાદ કોંગ્રેસ કેટલાંક મુદ્દા ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્પીકરે મંજૂરી આપી ન હતી. તેનાથી કોંગ્રેસ ગૃહમાંથી વોકઆઉટ કરી ગઈ હતી.