યુક્રેન યુદ્ધને પગલે રશિયાના મુદ્દે અમેરિકાના દબાણનો સીધો ઉલ્લેખ કર્યા વગર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારત એક દેશને નુકસાન કરીને બીજાને લાભ કરાવવાની નીતિમાં માનતો નથી. જો ભારત કોઇ એક દેશ સાથે સારા સંબંધો ધરાવતો હોય તો તેનો અર્થ એવો નથી કે બીજા દેશ સાથે તેના સંબંધો કથળી જાય. ભારતે ક્યારેય આવી કુટનીતિ અપનાવી નથી. ભારત ક્યારેય આવી કુટનીતિ અપનાવશે નહીં. અમે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ઝીરો-સમ ગેમમાં માનતા નથી. ભારત એવા દ્વિપક્ષીય સંબંધોમાં માને છે કે જેનાથી બંને દેશોને લાભ થાય.
યુક્રેન મુદ્દે ભારતના તટસ્થ વલણ તથા રશિયાના ક્રૂડ ઓઇલની ડિસ્કાઉન્ટ ભાવે ખરીદી કરવાના ભારતના નિર્ણય સામે અમેરિકાની નારાજગી વચ્ચે રાજનાથે આ ટીપ્પણી કરી હતી.રાજનાથે જણાવ્યું હતું કે ભારતની છબી બદલાઈ ગઈ છે. ભારતના મોભામાં વધારો થયો છે. આગામી થોડા વર્ષમાં વિશ્વની કોઇપણ તાકાત ભારતને વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રોમાં સ્થાન મેળવતો રોકી શકશે નહીં.