રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજ્યના ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખીને રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ રૂપિયા ઉઘરાવવાનું કામ કરતાં હોવાનો ગંભીર આક્ષેપ કરતા રાજકીય ખળભળાટ મચી ગયો હતો. વિપક્ષ નહીં, પરંતુ ખુદ સત્તાધારી ભાજપના ધારાસભ્યનો આ લેટરબોંબ રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પત્ર પછી મીડીયા સાથેની વાતચીતમાં ધારાસભ્યએ કહ્યું હતું કે મેં ગૃહ રાજ્યપ્રધાનને વારંવાર રજૂઆત કરી છે પરંતુ કોઇ પરિણામ આવ્યું નથી તેથી મેં પત્ર લખી પગલાં લેવા જણાવ્યું છે.
ભાજપના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ આક્ષેપને સમર્થન આપ્યું
ગોવિંદભાઈ પટેલના આ આક્ષેપને ભાજપના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ ખુલ્લુ સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ‘અગાઉ’ ખોટુ કરતી પોલીસને રાજકીય પીઠબળ મળતું હતું તેથી જ ઉઘરાણી, ખાનગી જમીનના વિવાદોમાં પોલીસ અરજી લઈને આવો ‘વહીવટ ‘કરવાની હિંમત કરી શકે.
ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીને એક પત્ર લખી જણાવ્યું છે કે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલા નાણાંની ટકાવારી લઇને રૂપિયા વસૂલવાનું કામ કરી રહ્યાં છે. એક અરજદાર પાસેથી તેમણે રૂપિયા વસૂલવાનું કામ કર્યું છે અને હજી કરી રહ્યાં છે. રાજકોટ પોલીસની કામગીરીથી મેં આપને વાકેફ કર્યા છે. કોઇની ઉઘરાણીની લેણી રકમ કાઢવાનું કામ કરતા લોકોની જેમ તેઓ રૂપિયાની ઉઘરાણી કરવાના હવાલા પણ સંભાળી રહ્યાં છે. આવા ઘણાં કિસ્સા રાજકોટમાં બન્યા છે. એક કિસ્સામાં રાજકોટના મહેશ સખીયાએ તમને લેખિતમાં ફરિયાદ કરી હતી. તેમની સાથે આઠ મહિના પહેલાં 15 કરોડનું ચિટીંગ થયું હતું જેની ફરિયાદ નહીં લઇને મહેશભાઇ પાસેથી ઉઘરાણીના પૈસા આવે તેમાંથી 15 ટકાનો હિસ્સો માગ્યો હતો.
તેમણે પત્રમાં જણાવ્યું છે કે આ કિસ્સામાં સાત કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે જે પૈકી 75 લાખ રૂપિયા પોલીસ કમિશનરે તેમના પીઆઇ મારફતે વસૂલ કર્યા હતા. બીજી તરફ રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદને પોલીસ કમિશનર પર લાગેલા આરોપ અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે આ મેટરમાં શું તથ્ય છે તેની ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવશે.