રાજકોટની કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગની ઘટનાની સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુઓમોટો નોંધ લીધી હતી અને આ મુદ્દે અહેવાલ આપવા ગુજરાત સરકારના આદેશ આપ્યો હતો. આ દુર્ઘટનામાં પાંચ દર્દી જીવતા ભુંજાઈ ગયા હતા.
કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહસચિવે શનિવારે બેઠક બોલાવી છે અને દેશભની હોસ્પિટલ્સમાં ફાયર સેફ્ટીના આદેશ જારી કર્યા છે.
રાજકોટની દુર્ઘટના અંગે સુપ્રીમે કોર્ટે જણાવ્યું હતું કે આ અત્યંત આઘાતજનક ઘટના છે અને આ કોઇ પહેલી ઘટના નથી. સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને સ્પષ્ટ આદેશ આપ્યો કે દુર્ઘટના માટે જવાબદાર હોય તેની સામે કડક પગલાં લેવામાં આવે. જસ્ટિસ શાહે નોંધ કરી હતી કે કોઈ પણ દુર્ઘટનાનું માત્ર કારણ આપીને સંતોષ માણી ન લો, આની કિંમત આપણે આવી દુર્ઘટનાઓના પુનરાવર્તનથી ચૂકવવી પડી રહી છે. તમારે આવી ઘટનાના મૂળમાં જવું જોઈએ, સાચું કારણ શોધવું જોઈએ.. અમદાવાદની તે હોસ્પિટલમાં શું થયું? કાર્યવાહી પૂરી થઈ ગઈ…. આ તો ખૂબ ગંભીર બાબત છે.
ગુરુવારની મોડી રાત્રે રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગી હતી. આ હોસ્પિટલમાં કુલ ૩૩ કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. ઘટના સમયે આઈસીયુમાં પણ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. આ ઘટનામાં ૫ લોકોના મોત થયા હતા.