રાજકોટમાં રહેતા અને ઈમ્પોર્ટ-એકસપોર્ટનો બિઝનેસ કરતા 28 વર્ષીય કેયુર પ્રફુલભાઈ મલ્લી નામના યુવકને કાવતરું રચીને સાઉથ આફ્રિકા બોલાવીને તેનું ત્યાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેના પિતા પાસે રૂ. 1.50 કરોડની ખંડણી માંગ્યા પછી અંતે રૂ. 30 લાખમાં તેનો છૂટકારો કરવા તૈયાર થઈ ગયા હતા. આ કેસમાં પ્રફુલ્લભાઇએ રાજકોટ પોલીસને જાણ કરી હતી અને પોલીસે વિદેશ મંત્રાલયની મદદ લીધી હતી. તેમના દ્વારા જોહાનીસબર્ગની પોલીસને જાણ કરવામાં આવી હતી. અંતે સ્થાનિક પોલીસે કેયુર પાસેથી 30 લાખની ખંડણી વસુલી મૂકત કરનાર ચારેય અપહરણકારોને ઝડપી લીધા હતા. પોતાનો પુત્ર સલામત રીતે પરત આવી જતા પરીવારમાં ખુશી વ્યાપી હતી.
સાઉથ આફ્રિકાથી ભારત સ્ક્રેપ લાવવા માટે છેલ્લા ઘણાં દિવસથી કેયુર એક શખ્સના સંપર્કમાં હતો. અંતે તે શખ્સે તેને જોહાનીસબર્ગ બોલાવતા કેયુર 19 જાન્યુઆરીએ રાજકોટથી રવાના થયો હતો અને 20મીએ મુંબઈથી જોહાનિસબર્ગ પહોંચ્યો હતો. એરપોર્ટ પર ઉતરી તેણે પોતાની સાથે સંપર્કમાં રહેલા શખ્સને કોલ કરતા તેણે એરપોર્ટ બહાર પોતાની ટેક્ષી ઉભી હોવાનું કહી તેમાં બેસી જવાનું કહ્યું હતું. ટેક્ષીચાલક તેને સ્થાનિક એક મકાનમાં લઈ ગયો હતો. જયાં પહેલેથી ચાર અપહરણકારો હાજર હતા. તેમણે કેયુરના હાથ-પગ બાંધી દીધા હતા.
બીજા દિવસે એક અપહરણકારે પોતાના ફોનમાંથી કેયુરના પિતાને કોલ કરી રૂ. 1.50 કરોડની ખંડણી માંગી હતી. કેયુરને પણ તેના પિતા સાથે વાત કરાવી હતી. આથી
તેના પિતા પ્રફુલભાઈએ શહેર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે વિદેશ મંત્રાલયનો સંપર્ક કરીને ત્યાંની સ્થાનિક પોલીસને એલર્ટ કરી હતી.
સ્થાનિક પોલીસના કહેવાથી પ્રફુલભાઈએ અપહરણકારો સાથે વાટાઘાટો જારી રાખી હતી. ખંડણીની રકમ ઘટાડવા માટે સતત વિનંતી કરતા અંતે અપહરણકારો રૂ. 30 લાખ લેવા માટે તૈયાર થઈ ગયા હતા. જે રકમ હવાલા દ્વારા અપહરણકારો સુધી પહોંચી જતા કેયુરને મુકત કરી ટેક્ષીમાં એરપોર્ટ મુકી આવ્યા હતા. જયાં તેનો સ્થાનિક પોલીસે સંપર્ક કરી અપહરણકારોના લોકેશન મેળવી તેમને પકડી લીધા હતા. અપહરણકાર ગેંગ મૂળ પાકિસ્તાનની હોવાનું કહેવાય છે અને તેઓ ઉર્દુ અને પંજાબી ભાષામાં વાત કરતા હતા.
પોલીસે આ ગેંગ પાસેથી કેયુરની ઘડિયાળ, ડ્રાઇવિંગ લાયસન્સ અને ખંડણીની રકમ પરત મેળવી હતી. સ્થાનિક પોલીસે કેયુરની ફરિયાદ નોંધી અપહરણકારો વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી. જે પુરી થયા પછી કેયુર 2 ફેબ્રુઆરીના રોજ રાજકોટ પરત ગયો હતો.