રાજકોટમાં સોમવારે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપનો આંતરિક જુથવાદ સામે આવ્યો હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. ધારાસભ્ય ગોવિંદ પટેલ, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પાસે કોઈ રજૂઆત કરવા પહોંચ્યા હતા. તે દરમિયાન રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પણ વચ્ચે આવી પહોંચ્યા હતા. જેથી વિજય રૂપાણીએ રામ મોકરિયાને બેસી જવાનો ઈશારો કર્યો હતો.
ભાજપનાં સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી રામ મોકરિયાને અનેક નાની-મોટી જવાબદારી રાજકોટમાં સોંપવામાં આવી રહી છે, આથી આંતરિક જૂથવાદ વધુ જોવા મળી રહ્યો છે. જોકે ગોવિંદ પટેલે આ મુદ્દે જણાવ્યું હતું કે હું તો દિવાળીની શુભેચ્છા પાઠવવા ગયો હતો. જોકે તેમની આ વાત ગળે ઉતરતી નથી.
સ્ટેજ પર સર્જાયેલા આવા દ્રશ્યો જોઈને કાર્યકરો પણ ચોંકી ઉઠ્યા હતા. નજરે જોનાર સૌ કોઈ એ ચર્ચા કરી રહ્યું છે કે આખરે નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ હતી. કાર્યક્રમ બાદ જ્યારે આ અંગે ધારાસભ્ય ગોવિંદ પટેલને પૂછવામાં આવતાં તેમણે સબ સલામત હોવાનું રટણ કર્યું હતું. પણ સ્ટેજ પર શું વાતચીત થઈ તે અંગે કોઈ જવાબ નહોતો આપ્યો. ઉલ્લેખનીય છે કે, ભાજપમાં ઘણા સમયથી આંતરિક જૂથવાદ ચર્ચામા છે. અગાઉ સ્નેહમિલન કાર્યક્રમની પત્રિકાને લઈને પણ વિવાદ સર્જાયો હતો.