બોલીવૂડના શોમેન સ્વ.રાજકપૂરના સૌથી નાના પુત્ર રાજીવ કપૂરનું ગત મંગળવારે હ્વદયરોગના હુમલાથી મુંબઇમાં નિધન થયું હતી. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેની યાદગાર ફિલ્મ હતી ‘રામ તેરી ગંગા મૈલી’. પરંતુ આ ફિલ્મની સફળતા માટે રાજીવને બદલે અભિનેત્રી મંદાકિનીને ખાસ યાદ કરવામાં આવે છે. આ ફિલ્મમાં મંદાકિનીના ઉત્તેજક દૃશ્યો, રવીન્દ્ર જૈનનું ગીત-સંગીત પણ લોકમુખે ચર્ચાય છે. ધોધ નીચે સફેદ સાડી પહેરીને સ્નાન કરતી મંદાકિનીના દૃશ્યે ખૂબ જ ચર્ચા જગાવી હતી. જોકે, આ ફિલ્મનો સૌથી વિવાદવાળો સિન બ્રેસ્ટ ફિડિંગનો હતો. ફિલ્મના એક દૃશ્યમાં મંદાકિની ટ્રેનમાં સફર કરતી હોય છે. તેના ખોળામાં નવજાત બાળક છે. આ બાળકને ભૂખ લાગવાથી ખૂબ રડતું હોય છે ત્યારે તે બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે. આ દૃશ્ય અંગે ઘણા લોકોએ વિવિધ પ્રકારના મંતવ્યો આપ્યા હતા.
આ ફિલ્મને કારણે મંદાકિની સિતારો તાત્કાલિક ચમકી ગયો હતો, પરંતુ ફિલ્મનો મુખ્ય નાયક ખુદ નારાજ હતો. તેને ત્યારે એવું લાગતું હતું કે, પોતાના પિતાની ફિલ્મમાં પોતાનું જ પાત્ર જામતનું નથી, અને નવી બનેલી અભિનેત્રી સર્વત્ર છવાઇ ગઇ હતી. આ સ્થિતિ માટે તેણે પોતાના નિર્માતા-દિગ્દર્શક પિતા રાજ કપૂરને જવાબદાર ઠેરવ્યા હતા. આથી પિતા અને પુત્ર વચ્ચે લાંબા સમય સુધી મતભેદ રહ્યા હતા. કહેવાય છે કે રાજીવે પિતા રાજકપૂરને પોતાના માટે વધુ એક ફિલ્મ બનાવવા જણાવ્યું હતું પરંતું રાજ કપૂરે તે બાબતે ઇન્કાર કર્યો હતો. પછી રાજીવને પોતાની અન્ય ફિલ્મના શૂટિંગ વખતે આસિસ્ટન્ટની જવાબદારી સોંપવામાં આવી હતી. તે પિતાથી એટલો નિરાશ અને નારાજ થયો હતો કે તેણે પિતા રાજ કપૂરની અંતિમવિધિમાં પણ હાજર રહેવાનું ટાળ્યું હતું.
રાજીવ કપૂરે ફિલ્મ પ્રોડકશન અને ડાયરેકશનની પણ જવાબદારી નિભાવી હતી. રાજ કપૂરે બીજા નંબરના પુત્ર રિશિ કપૂર અને પદ્મમિની કોલ્હાપૂરેને લઇને ‘પ્રેમરોગ’ નામની ફિલ્મ બનાવી હતી, જેમાં રાજીવે આસિસ્ટન્ટ ડાયરેકટર તરીકે સારું કામ કર્યુ હતું. રાજ કપૂર રિશિ કપૂર સાથે ‘હીના’ નામની ફિલ્મ બનાવી રહ્યા હતા ત્યારે તેમનું નિધન થયું હતું અને ફિલ્મનું નિર્માણ અધુંરુ રહ્યું હતું. પછી ફિલ્મના પ્રોડકશનની જવાબદારી રાજીવ કપૂરે સંભાળી હતી. આ ફિલ્મ રાજ કપૂર માટે મહત્વની હોવાથી તે લોકોને પસંદ આવી હતી અને તેનું ગીત-સંગીત પણ લોકપ્રિય બન્યું હતું. આ સિવયા રાજીવ કપૂરે લવર બોય, જલજલા, હમ તો ચલે પરદેશ અને અંગારે જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું પરંતુ તે વધુ સફળ થઇ ન હતી.
વર્ષ ૧૯૯૬માં રાજીવે રિશિ કપૂર અને માધુરી દીક્ષિતને લઇને પોતાની રીતે ‘પ્રેમગ્રંથ’ નામની ફિલ્મ બનાવી હતી, પરંતુ તે ફ્લોપ ગઇ હતી. વર્ષ ૧૯૯૯માં આર. કે. ફિલ્મ્સના બેનર હેઠળ ઐશ્વર્યા રાય અને અક્ષય ખન્નાને લઇને ‘આ અબ લૌટ ચલે‘ ફિલ્મ બનાવી હતી, પરંતુ તે પણ વધુ સફળ થઇ ન હતી. રાજીવ કપૂરે વર્ષ ૨૦૦૧માં આર્કિટેક્ટતર સાથે સંકળાયેલી આરતી સબરવાલ સાથે લગ્ન કર્યા હતા પરંતુ દામ્પત્ય જીવન લાંબું ચાલ્યું ન હતું. એ પછી રાજીવ મુંબઇમાં એકલા જ રહેતા હતા અને તેમને કોઇ સંતાન પણ નહોતું.