કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે મોદી સરકાર સત્તામાં છે, ત્યાં સુધી કોઈપણ ભારતની એક ઇંચ પણ જમીન પર કબજો કરી શકે નહીં. કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતાં અમિત શાહે દાવો કર્યો હતો કે કોંગ્રેસ દ્વારા લોકસભાની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવા પાછળનું વાસ્તવિક કારણ ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણ નથી, પરંતુ રાજીવ ગાંધી ફાઉન્ડેશન (RGF)ના FCRA રજિસ્ટ્રેશનને રદ કરવામાં આવ્યું તે છે.
અમિત શાહે જણાવ્યું હતું કે જો પ્રશ્નકાળ ચાલુ રાખ્યો હોત તો તેમણે ગૃહને કહ્યું હોત કે RGFનું ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (FCRA) રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું હતું, કારણ કે આ ફાઉન્ડેશનને ચીન-ભારત સંબંધોના વિકાસ સંબંધિત સંશોધન માટે ચીની દૂતાવાસ પાસેથી રૂ.1.35 કરોડ મળ્યા હતા.
ગૃહમંત્રીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસના નેતાઓના વિદેશી નેતાઓ સાથેના અંગત સંબંધોના કારણે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સભ્યપદ ગુમાવ્યું હતું. અમિત શાહે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની આગેવાની હેઠળના રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન (આઈઆરએફ)ના સ્થાપક ઝાકિર નાઈક પાસેથી રૂ.50 લાખ મળ્યા હતા.