સુપ્રીમ કોર્ટે રાજીવ ગાંધી હત્યાકાંડના દોષી એ જી પેરારિવલનને મુક્ત કરવા માટેનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, પેરારિવલન 31 વર્ષથી જેલમાં બંધ છે. સુપ્રીમ કોર્ટે કલમ 142નો ઉપયોગ કરીને પેરારિવલનની મુક્તિ માટે આદેશ આપ્યો છે. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને કમનસીબ ગણાવીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે, આ સરકારના રાજમાં રાજીવ ગાંધીના હત્યારાને છોડી મુકવામાં આવ્યો છે…પીએમ મોદી જણાવે કે આ જ રાષ્ટ્રવાદ છે?
21 મે 1991ના રોજ તમિલનાડુ ખાતે એક ચૂંટણી રેલી દરમિયાન એક આત્મઘાતી હુમલામાં દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. તે મામલે પેરારિવલન સહિત 7 લોકોને દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ કેસમાં ટાડા અદાલત અને સુપ્રીમ કોર્ટે પેરારિવલનને મૃત્યુની સજા સંભળાવી હતી.બાદમાં દયા અરજીની સુનાવણીમાં વિલંબના કારણે પેરારિવલનની મૃત્યુની સજાને ઉંમરકેદમાં ફેરવી દેવામાં આવી હતી.
પેરારિવલન પર હત્યાકાંડમાં બોમ્બ વિસ્ફોટ માટે ઉપયોગમાં લેવામાં આવેલી 9 વોલ્ટની 2 બેટરી ખરીદીને માસ્ટરમાઈન્ડ શિવરાસનને આપવાનો આરોપ સાબિત થયો હતો. હત્યાકાંડ વખતે પેરારિવલનની ઉંમર 19 વર્ષની હતી અને તે હાલ છેલ્લા 31 વર્ષોથી જેલના સળિયા પાછળ છે. હવે નલિની શ્રીહરન, મરૂગન, એક શ્રીલંકન નાગરિક સહિતના આ કેસના અન્ય 6 દોષિતોની મુક્તિની આશા પણ જાગશે.