સાઉથ ઇન્ડિયા અને બોલીવૂડમાં વિશાળ ચાહક વર્ગ ધરાવતા રજનીકાંત અનેક હિટ ફિલ્મોનો રેકોર્ડ ધરાવતા અનોખા સુપરસ્ટાર છે. નિવૃત્તિની ઉંમરે પહોંચ્યા પછી પણ શાહરુખ-સલમાન કે યશ-પ્રભાસ જેવા સ્ટાર કરતાં વધુ ફી મેળવનાર એક માત્ર સુપરસ્ટાર રજનીકાંત છે.
હિન્દી અને તમિલ-તેલુગુ સહિત અનેક ભાષામાં ફિલ્મો કરનારા રજનીકાંતની કારકિર્દી ચાર દસકા કરતાં વધારે જૂની છે. દર્શકોની પેઢીઓ બદલાઈ છે, પરંતુ રજનીકાંતનો જાદુ અકબંધ છે. આ લોકપ્રિયતાના કારણે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ એશિયાના સૌથી મોંઘા કલાકારોની યાદીમાં રજનીકાંત અગ્રેસર છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર 73 વર્ષીય રજનીકાંત આજના સમયમાં સૌથી મોંઘા અભિનેતા બની રહ્યા છે. તેમણે તેમની નવી ફિલ્મ માટે રૂ. 280 કરોડની ફી નક્કી કરી હોવાનું કહેવાય છે. રજનીકાંતને આ ફી મળી જાય તો તેઓ સમગ્ર એશિયામાં સૌથી મોંઘા એક્ટર બનશે. અત્યારે ભારતભરમાં પ્રભાસ, યશ, અલ્લુ અર્જુન, શાહરૂખ અને સલમાન જેવા અભિનેતાની બોલબાલા છે.
જોકે, રજનીકાંતને જે ફી મળવાની છે, તેની સરખામણીએ આ કલાકારોનું બજાર મૂલ્ય ઘણું ઓછું કહી શકાય. નવી ફિલ્મ અંગે કે રજનીકાંતની ફી અંગે અધિકૃત નિવેદન સામે આવ્યું નથી. તાજેતરમાં રજનીકાંતે લોકેશ કનગરાજ સાથે ‘કુલી’નું શૂટિંગ શરૂ કર્યું છે. અગાઉ થલાઈવર 171 તરીકે ઓળખાતી ફિલ્મનું ટાઈટલ ‘કુલી’ નક્કી થવાની સાથે ટીઝર પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યું છે. ફિલ્મના ટીઝરમાં રજનીકાંતે સોનાની ઘડિયાળોની ચેઈન બનાવી ગુંડાઓને ફટકાર્યા છે.
‘કુલી’માં રજનીકાંતની સાથે પૃથ્વીરાજ સુકુમારન, રણવીર સિંહ અને પાર્વતી થિરુવોથુ મહત્ત્વના રોલમાં છે. વિજય સેતુપતિ પણ ફિલ્મમાં જોવા મળે તેવી શક્યતા છે. કેમિયો માટે શાહરુખ ખાન સાથે વાતચીત ચાલી રહી હોવાનું કહેવાય છે. રજનીકાંત અત્યારે ‘વેટ્ટયાન’માં કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ફહાદ ફાસિલ, રાણા દુગ્ગુબાટી, મંજૂ વારિયર, રિતિકા સિંહ, દુશારા વિજયન કિશોર અને રોહિણી જેવા સ્ટાર્સ પણ છે. રજનીકાંતે જે ફિલ્મ માટે રૂ. 260થી 280 કરોડની ફી નક્કી કરી છે, તે ફિલ્મ અંગે ખાસ વિગતો જાણવા મળી નથી. જેના કારણે આ ફિલ્મ ‘થલાઈવર 171’ એટલે કે ‘કુલી’ છે કે પછી આવનારા સમયમાં રહસ્ય બહાર આવશે તેવું લોકો માને છે.