ચાર મહિલા ભક્તો પર બળાત્કાર કરવાના આરોપનો સામનો કરી રહેલા કોવેન્ટ્રીમાં બેલ ગ્રીન ખાતે આવેલા બાબા બાલક નાથ મંદિરના 65 વર્ષીય કલ્ટ નેતા રાજીન્દર કાલિયા પર કોર્ટમાં કેસ ચાલનાર છે. કાલિયાએ તમામ આરોપો નકારી કાઢી તેને ‘પાયાવિહોણા’ ગણાવ્યા છે. છે. કેસને બરતરફ કરાવવાના તેમના પ્રયાસમાં તેઓ નિષ્ફળ ગયા છે.
રાયટન-ઓન-ડન્સમોર, રુગી, વોરીકશાયરમાં એક ગેટેડ હોમમાં રહેતા કાલિયાએ કથિત રીતે તેના ભક્તોને એવું માનવા માટે પ્રભાવિત કર્યા હતા કે તે ભગવાનનો અવતાર છે જે “સર્વ-શક્તિશાળી, સર્વ-દ્રષ્ટા અને સર્વજ્ઞ” હતા.
“હીલર અને મિરેકલ વર્કર” તરીકે ઓળખાવા માંગતા કાલિયા પર આરોપ છે કે તેમણે પોતાના વિરુદ્ધ બોલનાર મંદિરના સભ્યો વિરુદ્ધ “સતામણી કરતા હુમલા” શરૂ કરવા પોતાના અનુયાયીઓને કહ્યું હતું.
ધ ટાઇમ્સના અહેવાલ મુજબ, કરોડો પાઉન્ડના સિવિલ કેસમાં કથિત કાલિયાએ “દૈવી હોવાનો, ભગવાન સાથે અથવા ભગવાનના અભિવ્યક્તિઓ સાથે સીધો સંબંધ હોવાનો અને નિયમિતપણે વાત કરતા” હોવાનો દાવો કર્યો હતો.
ગયા મહિને કેસ સુનાવણી માટે આવ્યો, ત્યારે કાલિયાનું પ્રતિનિધિત્વ કરતા સારાહ ક્રાઉથર QC દ્વારા આરોપો અસ્પષ્ટ હોવાનું જણાવી દાવો ફગાવી દેવાની માંગ કરાઇ હતી. પરંતુ ડેપ્યુટી માસ્ટર ગ્રિમશોએ ચુકાદો આપ્યો હતો કે કેસ આગળ વધી શકે છે. એવી સંમતિ આપવામાં આવી હતી કે જે મહિલાઓ હવે મંદિરની સભ્ય નથી, તેઓ પણ પોતાનો સુધારેલો દાવો સબમિટ કરશે.
હવે આ કેસ હાઈકોર્ટમાં ચાલશે અને આગામી સુનાવણી 9 સપ્ટેમ્બરે થવાની છે. ગ્લાસગો સુધી અનુયાયીઓ ધરાવતા સંપ્રદાયના નેતા કથિત રીતે ઈચ્છતા હતા કે મહિલાઓ સહિત તેમના ભક્તો માત્ર તેમના પર જ વિશ્વાસ કરે. તેઓ ઉપદેશોમાં કહેતા કે “જેઓ બહારની દુનિયામાં છે તેઓ દુષ્ટ છે અને તેનાથી દૂર રહેવું જોઈએ.”