બોલિવૂડના પ્રથમ અને એકમાત્ર સુપર સ્ટાર રાજેશ ખન્નાના જીવન પર ફિલ્મ બનાવવાની જાહેરાત થઈ છે. તેનું નિર્માણ નિખિલ દ્વિવેદી કરશે. છેલ્લા થોડા સમયથી બોલીવુડમાં આ અંગે ચર્ચા થતી હતી.
નિખિલ દ્વિવેદીએ ગૌતમ ચિંતામણીના પુસ્તક ‘ડાર્ક સ્ટારઃ ધ લોનલીનેસ ઓફ બીઈંગ રાજેશ ખન્ના’ના રાઈટ્સ પ્રાપ્ત કર્યા છે. આ પુસ્તક એક બેસ્ટ સેલર છે. રાજેશ ખન્ના ભારતીય સિનેમાના એક એવા સુપરસ્ટાર હતા જેમને દર્શકો અને ચાહકોએ ખુબ જ પ્રેમ આપ્યો છે. તેમનાં ચાહકોમાં એવો ક્રેઝ હતો કે છોકરીઓ તેમને લોહીથી પત્ર લખતી અને તેમની તસવીરો સાથે લગ્ન કરતી. રાજેશ ખન્નાએ ડિમ્પલ કાપડિયા સાથે માર્ચ 1973માં લગ્ન કર્યા ત્યારે મોટી સંખ્યામાં યુવતીઓ નિરાશ થઇ થતી તેવું કહેવાય છે.
રાજેશ ખન્નાએ તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ચેતન આનંદની આખરી ખત (1966) ફિલ્મથી કરી હતી. મૂળ જતીન નામ ધરાવતા રાજેશ ખન્ના બોલીવૂડમાં ‘કાકા’ના નામે જાણીતા હતા. કહેવાય છે કે આ બાયોપિકનું ડાયરેક્શન ફરાહ કરશે. જોકે, રાજેશ ખન્નાની ભૂમિકા કોણ ભજવશે તે નક્કી થઇ શક્યું નથી. જોકે, આ પાત્ર માટે અભિનેતાની શોધ થઇ રહી છે. આ ફિલ્મ અંગે નિખિલ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, હું આ ફિલ્મ બનાવવા માટે ફરાહ ખાન સાથે વાતચીત કરી રહ્યો છું. રાજેશ ખન્નાની જીવનચરિત્રને ફિલ્મમાં દર્શાવવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. જ્યારે ફરાહ ખાને આ વિશે કહ્યું, ‘મેં ગૌતમનું પુસ્તક વાંચ્યું છે અને તે ખૂબ જ આકર્ષક છે. તે ચોક્કસપણે ખૂબ જ રોમાંચક વાર્તા છે. જોકે, અમે હજુ પણ આ અંગે ચર્ચા કરી રહ્યા છીએ તેથી હું વધુ ટિપ્પણી કરી શકીશ નહીં.’