Rajesh khanna
(Photo by PAL PILLAI/AFP via Getty Images)

બોલીવૂડમાં નવા કથાનકો-નવા વિચારો-મુદ્દાની ભારે અછત ઊભી થઇ હોય તેવું જણાય રહ્યું છે. કારણ કે, જુની અને જાણીતી બે ફિલ્મોની રીમેક બનાવવાની જાહેરાત થઇ છે. પહેલા અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની ફિલ્મ તેજાબની રીમેક બનાવવાની જાહેરાત થયા પછી હવે અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાની ક્લાસિક ફિલ્મ આનંદની પણ રીમેક બનાવવાની જાહેરાત થઈ છે.

આનંદ ફિલ્મના નિર્માતા એન. એન. સિપ્પીના પૌત્ર સમીર રાજ સિપ્પીએ જ આ ફિલ્મ ફરી બનાવવાની જાહેરાત કરી છે. આ અંગે સમીરે જણાવ્યું હતું કે, નવી પેઢી માટે આ ફિલ્મને આધુનિક રીતે બનાવવી જરૂરી છે. તેમની સાથેના સહ નિર્માતા વિક્રમ ખખ્ખરનું કહેવું છે કે, આપણે જ્યારે નવી નવી સ્ટોરીઝ શોધી રહ્યા છીએ ત્યારે જો આપણી જ ઓરિજિનલ ક્લાસિક્સમાં નજર નાખીએ તો તેમાં કિંમતી ખજાનો ઉપલબ્ધ છે જ.
જોકે, આનંદ ફિલ્મમાં અમિતાભ અને રાજેશ ખન્નાની ભૂમિકા કોણ ભજવશે એ નક્કી નથી. ફિલ્મની હજુ સ્ક્રિપ્ટ લખાઈ રહી હોવાનું કહેવાય છે.

જુની આનંદ ફિલ્મની સ્ટોરી ગુલઝારે લખી હતી અને ઋષિકેશ મુખર્જીએ તેનું દિગ્દર્શન કર્યું હતું. તેના ગીતો, સંવાદો અને સંવેદનશીલ દૃશ્યોના કારણે તે સદાબહાર લોકપ્રિય ફિલ્મ બની હતી. જિંદગી બડી હોની ચાહિએ, લંબી નહીં સહિતના તેના અનેક સંવાદો આજે પણ એટલા જ લોકપ્રિય છે.

તો, બીજી તરફ, સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મકાર મુરાદ ખેતાનીએ અનિલ-માધુરી દીક્ષિતની હિટ ફિલ્મ તેજાબના હક્ક ખરીદી લીધા છે. હવે ટૂંક સમયમાં પ્રીપ્રોડક્શનનું કામ શરૂ થશે. મુરાદ ખેતાનીના જણાવ્યા અનુસાર મૂળ ફિલ્મની વાર્તામાં સમય પ્રમાણે ફેરફાર પણ કરાશે.

બીજી તરફ તેજાબ ફિલ્મના મૂળ દિગ્દર્શક એન. ચંદ્રા અગાઉ જ આ ફિલ્મની રિમેકનો વિરોધ કરી ચૂક્યા છે. ચંદ્રાએ કહ્યું હતું કે, આ ક્લાસિક ફિલ્મમાં છેડછાડ કરવી યોગ્ય નથી. આ ફિલ્મ એક નિશ્ચિત સમયમાં બની હતી અને ફિલ્મની વાર્તા એ સમય સાથે જોડાયેલી હતી. તેજાબ એક શાનદાર ફિલ્મ છે, અને મને નથી લાગતું કે તેને ફરી બનાવવી જોઇએ.
આ ફિલ્મ અનિલ-માધુરીની કેરિયરની સીમાચીહ્નરૂપ ફિલ્મ હતી. એક દો તીન… ગીતના ડાન્સથી માધુરી રાતોરાત સ્ટાર બની ગઈ હતી અને તે પછી તેણે ક્યારેય પાછું વળીને જોવું પડ્યું ન હતું.