£1.8 મિલિયનનું કૌભાંડ આચરી સહાનુભૂતિ મેળવવા પોતાને સ્વાદુપિંડમાં ટર્મિનલ કેન્સર હોવાનું જણાવનાર સરેના એડલસ્ટનમાં રહેતા ભૂતપૂર્વ બેંકર રાજેશ ઘેડિયાને છ વર્ષ અને નવ મહિનાની જેલ કરવામાં આવી છે.
સિટી ઑફ લંડન પોલીસે શુક્રવારે (17) જણાવ્યું હતું કે પાર્કસાઈડ, ન્યુ હો, એડલસ્ટનનાં 42 વર્ષીય રાજેશ ઘેડિયાએ £1.3 મિલિયન કરતાં વધુ રકમની વીમા અને પેન્શન કંપનીઓ સાથે છેતરપિંડી કરી હતી. સ્વાદુપિંડનું ચોથા સ્ટેજનું કેન્સર છે અને જીવવા માટે એક વર્ષ કરતાં પણ ઓછો સમય છે તેમ કહી તેણે છેતરપીંડી કરી હતી.
સધર્ક ક્રાઉન કોર્ટમાં જણાવાયું હતું કે ‘’તેણે મિત્રો, કુટુંબીજનો અને પરિચિતોને અસ્તિત્વમાં ન હોય તેવી નાણાકીય પ્રોડક્ટ્સમાં રોકાણ કરવા માટે જાણીતી ઇન્વેસ્ટમેન્ટ બેંકમાં તેની નોકરીનો પણ ઉપયોગ કર્યો. ભોગ બનેલા લોકોએ લગભગ £625,000 તો સીધા તેના અંગત ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.’’
ઘેડિયાએ અગાઉની સુનાવણીમાં છેતરપિંડીની 30 થી વધુ ગુનાની કબુલાત કરી હતી. ઘેડિયાએ વીમાનો દાવો કરવા માટે કન્સલ્ટન્ટના નકલી તબીબી પત્રો બનાવ્યા હતા અને ભોગ બનેલા લોકો સાથે વાતચીત ટાળવા માટે પોતાની પુત્રીનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું એમ કહ્યુ હતુ. ઘેડિયા પાસે સારી એવી મિલકતો અને વાહનો હતા તથા પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે ઘેડિયા હવે જપ્તીની કાર્યવાહીનો સામનો કરશે. સિટી ઑફ લંડન પોલીસની એસેટ્સ રીકવરી એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે કે ગેરકાયદેસર રીતે મેળવેલ ભંડોળ રીકવર થાય.