શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર દ્વારા સંસ્થાના વડા પૂ. ગુરુદેવ શ્રી રાકેશજીના સાન્નિધ્યમાં તા. 27મી મેના રોજ સેન્ટ્રલ લંડન ખાતે સંસ્થા દ્વારા છેલ્લા બે દસકામાં સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ સેવા પ્રોજેક્ટ્સની માહિતી આપવા અને ઉદાર દાતાઓની સરાહના કરવા એક ગાલા ડીનરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ભારત સરકારના ટેક્સટાઈલ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, બ્રિટનના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ શ્રી જીપી હિન્દુજા અને બ્રિટનના ભારત ખાતેના હાઇ કમિશ્નર શ્રીમતી ગાયત્રી ઇસ્સાર કુમાર સહિત વિવિધ સમુદાયોના અગ્રણીઓ અને સંસ્થા સાથે જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થા વતી પૂ. શ્રી આત્મપ્રિત નેનેજીએ સખાવતના મહત્વને સમજાવતાં જણાવ્યું હતું કે ‘’જ્યારે તમે કોઇના માથા પર હાથ મૂકો છે, મદદ આપો છો ત્યારે તેમને મદદ આપનાર તરીકે તમને પણ અવર્ણનીય આનંદ આવે છે. આજે પધારેલા પિયુશભાઇ ગોયલ ખાસ કાર્યક્રમમાં હાજર રહેવા લંડનમાં એક દિવસ વધારે રોકાયા છે.’’
મંત્રી શ્રી પિયુશ ગોયલે જણાવ્યું હતું કે ‘’તમે સૌ તમારી રીતે સમાજના સેવાકાર્યો કરી રહ્યા છો. અહિં પ્રસ્તુત વિડીયો પ્રોઝન્ટેશન જોતાં મને લાગ્યું કે એક અદભૂત શક્તિ આપણને એકસુત્રતાથી બાંધી રાખે છે. મહાત્મા ગાંધીએ પૂ. શ્રીમદ રાજચંદ્રજીને પોતાના ગુરૂ તરીકે સ્થાપી તેમના ઉપદેશોને જીવનમાં ઉતાર્યા હતા. આપણે સૌ નસીબદાર છીએ કે પૂ. ગુરૂદેવ રાકેશજીના લવ, શેર એન્ડ કેરના ટીચીંગ અને માર્ગદર્શનનો લાભ આપણને સૌને મળે છે. માનવતાનો સંદેશો પહોંચાડવા બદલ હું તેમનો આભારી છું. તેમણે જ આપણને સમાજને પાછુ આપવાની ભાવના સાથે પ્રેરણા આપી છે. મને આપવામાં આવેલા આત્મસિધ્ધી શાસ્ત્ર પુસ્તકમાંથી હું ઘણુ શીખીશ. હું પૂ. રાકેશજીને તેમનું જ્ઞાન, અશિર્વાદ અને માર્ગદર્શન સતત આપતા રહેવા વિનંતી કરૂ છું.‘’
ભારતીય હાઇ કમિશ્નર શ્રીમતી ગાયત્રી કુમાર ઇસ્સારે જણાવ્યું હતું કે ‘’સંસ્થાના સેવાકાર્યો દ્વારા તમે અદૂભૂત સેવા કાર્યો કરો છો. તમે પ્રાણીઓથી લઇને અદિવાસીઓ, વિદ્યાર્થીઓથી લઇને મહિલાઓની જે સેવા કરો છો તે બદલ આપ સૌને અભિનંદન. હું બ્રસેલ્સમાં હતી ત્યારે સંસ્થાના સેવાકાર્યો વિશે માહિતગાર થઇ હતી. શ્રીમદ રાજચંદ્ર યુગપુરૂષ હતા અને તેમણે સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપ્યું હતું. સાદુ જીવન જીવવાનો તેમનો ગુરૂમંત્ર મશાલરૂપ છે. પૂ. રાકેશજીએ તેમની મહેનત દ્વારા હજ્જારો લોકોના જીવન બદલ્યા છે. સસ્થા 2019માં માંચેસ્ટરમાં ગાંધીજીની પ્રતિમા સ્થાપવામાં તથા કોવિડ રાહતકાર્યો માટે પણ મદદરૂપ થઇ હતી.’’
બ્રિટનના ધનાઢ્ય ઉદ્યોગપતિ શ્રી જીપી હિન્દુજાએ કાર્યક્રમના પ્રારંભે ખૂબ જ મનનીય પ્રાર્થના ‘‘એ માલિક તેરે બંદે હમ’’ પ્રસ્તુત કરવા સાથે જણાવ્યું હતું કે ‘’આપણે ભક્તિગીતમાં જણાવવામાં આવેલા સંદેશને સાર્થક કરવાનો છે અને જેમને મદદની જરૂર છે તેવા લોકોને મદદ કરવાની છે. આપણે સાચા રસ્તે ચાલી, ભલાઈ કરી દુષ્ટતાને ટાળવાની જરૂર છે. આજે ચારે કોર અંધારું થઈ રહ્યું છે, માણસ પોતાની તકલીફોથી ડરી ગયો છે, સુખનો સૂર્ય છુપાઈ રહ્યો છે ત્યારે આપણી મદદની સૌને જરૂર છે. આપ સંસ્થા દ્વારા આ મદદ કરો છો તે ઘણીજ અગત્યની બાબત છે.‘’
આ કાર્યક્રમમાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાંથી જ ભણી ગણીને ડોક્ટર થયેલા ડૉ. સોનાલી દસાણેએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. તો સંસ્થાની સેવા-કામગીરી વિષે વિડીયો પ્રોઝન્ટેશન કરાયું હતું. આ પ્રસંગે મયુરભાઇ મહેતા દ્વારા શ્રી પિયુશ ગોયલનું તિલક કરી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન સ્કાય સ્પોર્ટ્સના રીપોર્ટર ધર્મેશ શેઠે કર્યું હતું.
બાપીઓના ડૉ. રમેશ મહેતા અને ડૉ. પરાગ સિંઘલે બાપીઓ અને ભારતીય તબીબોના કોવિડ દરમિયાનના સેવા કાર્યો તથા SMRD સાથે ધરમુરમાં આવેલી હોસ્પિટલમાં મદદ અંગે માહિતી આપી હતી.
શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર (SRLC)એ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરની પહેલ છે અને સમાજના વંચિત વર્ગના જીવનમાં આનંદ લાવવા પૂ. ગુરુદેવશ્રી રાકેશજીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય સંભાળ, શૈક્ષણિક સંભાળ, બાળ સંભાળ, વુમન કેર, ટ્રાઇબલ કેર, કોમ્યુનિટી કેર, માનવતાવાદી સંભાળ, એનિમલ કેર, પર્યાવરણીય સંભાળ તેમ જ ઈમરજન્સી રિલીફ કેર માટે સેવા કાર્યો કરવામાં આવે છે.