ભારતની આઈપીએલ ક્રિકેટની રાજસ્થાન રોયલ્સ (RR) ફ્રેન્ચાઇઝ હવે ઇંગ્લેન્ડની કાઉન્ટી ટીમ યોર્કશાયર ખરીદવા સક્રિય બની છે. રોયલ્સે યોર્કશાયર માટે £25 મિલિયનની ઓફર કર્યાનું મનાય છે. મળતા અહેવાલો અનુસાર યોર્કશાયર આ ડીલ સ્વીકારવા વિચારી રહી છે. યોર્કશાયર ક્લબ ઉપર જંગી દેવું છે અને તે ચૂકવવા માટે ક્લબ સામે બહુમતી હિસ્સો વેચવો એક મહત્ત્વનો વિકલ્પ છે. આ અગાઉ ફૂટબોલ ક્લબ ન્યૂ કેસલના માલિક માઈક એશ્લીએ ઓફર કર્યાના અહેવાલો હતા, પણ હવે રાજસ્થાન રોયલ્સે તેના કરતાં ઘણી મોટી રકમની ઓફર કરી છે.
રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝમાં બહુમતી માલિકી હિસ્સો ઈન્ડિયન બ્રિટિશર બિઝનેસમેન મનોજ બડાલેનો છે, તો તેમાં મીડિયા મોગલ રૂપર્ટ મર્ડોકના પુત્ર સહિત બીજા બે ભાગીદારો પણ છે. મનોજ બડાલેની ફર્મ ઈમર્જીંગ મીડિયા સાથે ભાગીદારો રેડબર્ડ કેપિટલ તથા લાચલાન મર્ડોક છે. રાજસ્થાન રોયલ્સ કેરેબિયન પ્રિમિયર લીગમાં બાર્બાડોઝ રોયલ્સ તથા સાઉથ આફ્રિકા ટી-20 લીગમાં પાર્લ રોયલ્સ ટીમની માલિકી પણ ધરાવે છે. રોયલ્સ યોર્કશાયરની ટીમની સંપૂર્ણ માલિકી ઈચ્છે છે અને એ સોદો પાર પડશે તો કોઈ ઈંગ્લિશ કાઉન્ટીની ટીમની માલિકી પહેલીવાર કોઈ વિદેશી હસ્તીના હાથમાં જશે.