રાજસ્થાનના કોટાની સરકારી હોસ્પિટલમાં એક જ મહિનામાં મોતને ભેટેલા 100 બાળકોના મુદ્દે હવે કોંગ્રેસની સરકાર ચારે તરફથી ઘેરાઈ છે. શરુઆતમાં આ મુદ્દે કોઈ બોલવા માટે તૈયાર નહોતુ પણ બાળકોના મોતનો આંકડો 100 પર પહોંચ્યા બાદ હવે ચારે તરફથી મુખ્યમંત્રી અશોક ગહેલોટ પર માછલા ધોવાઈ રહ્યા છે. ગહેલોટે હેવ સફાઈ આપી છે કે, સરકાર આ મુદ્દે સંવેદનશીલ છે અને તેના પર રાજકારણ ના હોવુ જોઈએ.
આ પહેલા ભાજપે આ મુદ્દે નિશાન સાધ્યુ હતુ અને બસપા પ્રમુખ માયાવતીએ પણ કોંગ્રેસને આડે હાથ લીધી હતી.કોટાની સરકારી હોસ્પિટલમાં એક જ મહિનામાં 100 બાળકો મોતને ભેટ્યા બાદ હાહાકાર મચ્યો છે. ગહેલોટે વધુમાં કહ્યુ હતુ કે, હોસ્પિટલમાં બાળકોનો મૃત્યુ દર લગાતાર ઓછો થઈ રહ્યો છે અને તેને વધારે ઓછો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. માતા અને બાળક સ્વસ્થ રહે તે અમારી પ્રાથમિકતા છે. બાળકો માટેના આઈસીયુની સ્થાપના જ કોંગ્રેસ સરકારે 2003માં કરી હતી.
કોટામાં પણ 2011માં અમારી જ સરકારે બાળકો માટે આઈસીયુ બનાવ્યુ હતુ. નિરોગી રાજસ્થાન અમારી પ્રાથમિકતા છે. મીડિયા કોઈના દબાણમાં આવ્યા વગર તથ્ય રજૂ કરી શકે છે.દરમિયાન જ્યાં આ મોત થયા છે તે જે કે લોન હોસ્પિટલના તંત્રે કહ્યુ હતુ કે, 2018ના ડિસેમ્બર મહિનામાં પણ 77 બાળકોના મોત થયા હતા. બાળકોના મોત ઓછા વજનના કારણે થઈ રહ્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીનુ કહેવુ છે કે, ઘણા બાળકો અહીંયા ગંભીર અવસ્થામાં લાવવામાં આવતા હોય છે.