ભારતમાં વર્લ્ડકપનો ફિવર છવાયેલો છે ત્યારે ક્રિકેટનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર પ્રહાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે રાજસ્થાન કોંગ્રેસ એક એવી ક્રિકેટ ટીમ છે કે જેના બેટરોએ એકબીજાને રનઆઉટ કરવામાં પાંચ વર્ષ વિતાવ્યાં છે.
ચુરુ જિલ્લામાં ચૂંટણીસભાને સંબોધતા મોદીએ રાજ્યના ઝડપી વિકાસને સુનિશ્ચિત કરવા માટે 25 નવેમ્બરની રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મત આપવા લોકોને અનુરોધ કર્યો હતો.
મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને ભૂતપૂર્વ નાયબ સીએમ સચિન પાયલટ વચ્ચેની સત્તાની લડાઈનો ઉલ્લેખ કરતાં મોદીએ કટાક્ષ કર્યો હતો કે ક્રિકેટમાં એક બેટર આવે છે અને તેની ટીમ માટે રન બનાવે છે, પરંતુ કોંગ્રેસની અંદર એટલો બધો આંતરકલહ છે કે રન બનાવવાને બદલે તેના નેતાઓએ એકબીજાને આઉટ કરવામાં પાંચ વર્ષ વિતાવ્યા. તેમની ટીમ એટલી ખરાબ છે, ત્યારે તેઓ કયા રન બનાવશે અને તેઓ તમારા માટે શું કામ કરશે?” જો રાજસ્થાનમાં ભાજપ સત્તા પર આવશે તો તે તમામ ભ્રષ્ટ લોકોને દૂર કરશે અને રાજ્યનો ઝડપી વિકાસ થશે. તમે કોંગ્રેસથી જેટલા દૂર રહેશો, એટલું રાજસ્થાનને બચાવશો, એટલું જ તમારું ભવિષ્ય સુનિશ્ચિત થશે.
જલ જીવન મિશન કૌભાંડનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે સારા ઇરાદા અને કોંગ્રેસ વચ્ચેનો સંબંધ પ્રકાશ અને અંધકાર જેવો જ છે. પીવાના પાણી માટે ફાળવવામાં આવેલા નાણાંનો ઉચાપત રતી સરકારનો ઇરાદો શું હશે. કોંગ્રેસ અને વિકાસ એકબીજાના દુશ્મન છે અને રહેશે. કોંગ્રેસના પેપર લીક માફિયાઓએ લાખો રૂપિયામાં યુવાનોનું ભવિષ્ય વેચી દીધું હતું.મોદીએ કોંગ્રેસ સરકાર પર ખાતર કૌભાંડમાં સામેલ હોવાનો અને ખેડૂતોને લૂંટવાનો આરોપ લગાવ્યો હતો.