રવિવારે IPL 2023ની એક મહત્ત્વની મેચમાં રાજસ્થાન રોયલ્સે ગુજરાત સામે ત્રણ વિકેટે વિજય હાંસલ કર્યો હતો. સિમરોન હેટમાયરની તોફાની બેટીંગેના પગલે રાજસ્થાનનો વિજય થયો હતો. ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને વિજય માટે 178 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં રાજસ્થાને 19.2 ઓવરમાં 7 વિકેટે 179 કરી લઈ વિજય મેળવ્યો હતો.
રાજસ્થાન તરફથી સંજુ સેમસન અને સિમરોન હેટમાયરે તોફાની બેટીંગ કરી હતી. સિમરોન હેટમાયરે 26 બોલમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 56 રન કર્યા હતા.
ગુજરાત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ ત્રણ વિકેટ ખેરવી હતી, તો રાશીદ ખાને બે અને હાર્દિક પંડ્યા, નૂર અહેમદે 1-1 વિકેટ ઝડપી હતી.
ગુજરાતની ટીમે નિર્ધારીત 20 ઓવરમાં 7 વિકેટે 177 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી શુભમન ગીલ, ડેવિડ મિલર અને હાર્દિક પંડ્યાએ ધમાકેદાર બેટીંગ કરી હતી, તો રાજસ્થાન તરફથી સંદીપ શર્માએ સૌથી વધુ – બે વિકેટ ખેરવી હતી. આ અગાઉ રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
રાજસ્થાન તરફથી સંદીપ શર્માએ 4 ઓવરમાં 25 રનમાં 2 વિકેટ તથા ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવરમાં 46 રન આપી 1, એડમ ઝાપાએ 4 ઓવરમાં 32 રન આપી 1 અને યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 36 રન આપી 1 વિકેટ ઝડપી હતી.