કોરોનાના કેસોમાં વધારાને પગલે રાજસ્થાનના 8 શહેરોમાં 22 માર્ચથી નાઈટ કરફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીજા રાજ્યોમાંથી આવતા મુસાફરોએ 72 કલાકની અંદર કરવામાં આવેલો નેગેટિવ RT-PCR રિપોર્ટ ફરજિયાત લાવવો પડશે. જો નેગેટિવ રિપોર્ટ નહીં હોય તો તેમને 15 દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે.
રાજ્યના મુખ્યપ્રધાન અશોક ગેહલોતની અધ્યક્ષતામાં કોરોનાને લઈને મળેલી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ગેહલોત સરકારે જે 8 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય લીધો છે, તેમાં પાટનગર જયપુર સહિત અજમેર, ભીલવાડા, જોધપુર, કોટા, ઉદયપુર, સાગવાડા અને કુશલગઢ સામેલ છે. આ નાઈટ કરફ્યૂ સોમવારે એટલે કે 22 માર્ચથી લાગુ થશે. આ શહેરોમાં રાત્રે 11 કલાકથી સવારે 5 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે.
સરકારે 22 માર્ચથી રાજ્યના બધા શહેરી વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી બજાર બંધ કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યમાં પ્રાથમિક શાળા આગામી આદેશ સુધી બંધ રહેશે. કોલેજોમાં 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓ નહીં આવી શકે. તેના માટે વાલીઓની લેખિત સંમતિ જરૂરી રહેશે, તે પછી જ બાળકોને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મળશે.