અશ્લીલ ફિલ્મોના પ્રોડક્શનમાં સામેલ હોવાના આરોપ હેઠળ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની સોમવારે ધરપકડ કરાયા બાદ તેમને મંગળવારે કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે રાજ કુન્દ્રાના 23મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. મુંબઈ પોલીસ કમિશનરે રાજ કુન્દ્રા આ કેસમાં મુખ્ય ષડયંત્રકાર હોવાનો દાવો કર્યો હતો.
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે સોમવારે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ કરી હતી. આ મામલે હવે રાજ કુન્દ્રાની કેટલીક ચેટ્સ સામે આવી છે. આ ચેટમાં રાજ કુંદ્રા પ્રદીપ બક્ષી સાથે હોટશોટ્સ ડિજિટલ એપ્લિકેશનની આવક વિશે વાત કરી રહ્યો છે. આ ચેટ પરથી ખુલાસો થયો છે કે રાજ કુંદ્રા અશ્લીલ ફિલ્મો દ્વારા રોજ લાખો રૂપિયાની કમાણી કરતો હતો.
રાજ કુંદ્રાએ પોતાનું એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપના એડમિન રાજ કુંદ્રા જ હતા. રાજ ઉપરાંત ગ્રુપમાં કુલ 4 લોકો મેઘા વિયાન એકાઉન્ટ્સ, પ્રદીપ બક્ષી, રોબ ડિજિટલ માર્કેટિંગ હોટશોટ્સ અને રોય ઇવાન્સ કન્ટેન્ટ હેડ હોટશોટ્સ શામેલ છે.
પોસીલની અત્યાર સુધીની તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, ફિલ્મો તેમજ ટીવીમાં કામ કરવા માટે આવતા અને સંઘર્ષ કરતા યુવક-યુવતીઓને લઈને આરોપીઓ અશ્લીલ ફિલ્મ બનાવતા હતા, અને તેને અલગ-અલગ પ્લેટફોર્મ પર રિલીઝ કરી તગડી કમાણી કરતા હતા. આ પ્રકારની ફિલ્મોના શૂટિંગ માટે મુંબઈના મડ આયલેન્ડમાં એક બંગલો પણ ભાડે લેવામાં આવ્યો હતો. જોકે, આ ફિલ્મોમાં કામ કરવા માટે ફરજ પાડવામાં આવી હોવાની ફરિયાદો કેટલીક યુવતીઓ દ્વારા કરવામાં આવતા પોલીસ એક્શનમાં આવી હતી.