પોર્ન ફિલ્મ બનાવવાના કેસમાં ધરપકડ થયા બાદ ઇન્ડિયન બ્રિટિશ બિઝનેસમેન રાજ કુન્દ્રાની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદના એક વેપારીએ રાજ કુન્દ્રાની કંપની વિરુદ્ધ ઓનલાઇન ફરિયાદ નોંધાવી છે. ક્રાઈમ બ્રાન્ચ અને સાઈબર સેલને કરવામાં આવેલી આ ફરિયાદમાં વેપારીએ રાજ કુન્દ્રાની કંપની સામે રૂ.3 લાખની છેતરપિંડીનો આરોપ મુક્યો છે.
અધિકારીએ જણાવ્યું કે, ગુજરાતના વેપારીએ પોતાની ફરિયાદમાં કહ્યું કે રાજ કુન્દ્રાની કંપનીએ તેમને ઓનલાઈન ક્રિકેટ ગેમના ડિસ્ટ્રિબ્યુટર બનાવવાનું વચન આપ્યુ હતું. આ માટે તેમની પાસેથી રૂ.3 લાખ લેવામાં આવ્યા હતા. પોલીસ આ ફરિયાદના આધારે તપાસ કરી રહી છે અને તેના આધારે રાજ કુન્દ્રા વિરુદ્ધ FIR પણ દાખલ કરશે.
ગુજરાતના વેપારી હિરેન પરમારે પોતાની ફરિયાદ ઓનલાઈન દાખલ કરાવી છે. તેમણે આરોપ મુક્યો છે કે, વિઆન ઈન્ડસ્ટ્રીઝે વચન આપ્યુ હતું કે તે ઓનલાઈન ગેમ ગેમ ઓફ ડોટના ડિસ્ટ્રિબ્યૂટર બનાવશે. પરંતુ કંપની પોતાની વાત પરથી ફરી ગઈ અને જ્યારે તેમણે 3 લાખ રુપિયા પાછા માંગ્યા તો કંપની તરફથી કોઈ જવાબ નથી મળ્યો. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે હિરેન પરમારે વર્ષ 2019માં ગુજરાત સાઈબસાઈબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ કોઈ કાર્યવાહી નથી થઈ.