અત્યારે યુકે સહિત યુરોપના અનેક દેશો દુષ્કાળ અને અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિ માટે જળવાયુ પરિવર્તનને જવાબદાર માનવામાં આવે છે. યુરોપના જંગલોમાં આગ લાગવાની ઘટનાઓને કારણે સ્થાનિક પર્યાવરણને ગંભીર નુકસાન થયું છે. હવે આ સ્થિતિમાં યુકેના હવામાન વિભાગે 1 સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ ત્રણ ઇંચ વરસાદ પડવાની આગાહી કરતા લોકોએ રાહત અનુભવી છે. એક સ્થાનિક અખબારના રીપોર્ટ અનુસાર દેશના સમુદ્ર કાંઠે ચક્રવાત ઊભું થઇ રહ્યું છે. અત્યારે સાઉથ વેસ્ટના કિનારે 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન રહે છે. યુકેમાં દુષ્કાળની સ્થિતિ હોવાથી વરસાદનું આગમન મહત્ત્વ ધરાવે છે. લંડન, સાઉથ ઇસ્ટ, ઇસ્ટ ઇંગ્લેન્ડ અને ઇસ્ટ મિડલેન્ડમાં ભારે વરસાદ અને પૂરની આગાહી કરવામાં આવી છે.