સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને જુનાગઢ સહિતના વિસ્તારોમાં રવિવારની રાત્રેથી ચાલુ થયેલા ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સાંબેલાધાર વરસાદને કારણે નીચાવાણા અનેક ગામો પાણીમાં ગરકાવ થયા હતા અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સૌરાષ્ટ્રની તમામ નદીઓ, નાળા અને ડેમ છલકાયા હતા. નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવની કામગીરી કરવાના આદેશ આપ્યા હતાં. એરફોર્સ, SDRF અને ફાયરબ્રિગેડની ટીમો કામે લગાડવામાં આવી હતી. જામનગર જિલ્લાના જુદા 6 ગામોમાંથી 43 જેટલા નાગરિકોને બે હેલિકોપ્ટરની મદદથી એરલિફ્ટ કરી લેવામાં આવ્યા હતા.
જામનગરમાં 43 નાગરિકોને એરલિફ્ટ કરાયા
જામનગર જિલ્લા ગત રાત્રીથી ચાલુ થયેલા અનારાધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અનેક ગામો ટાપુ બન્યા હતા અને સેંકડો લોકો ફસાયા હતા. ગામમાંથી બહાર નીકળવાના રસ્તા પર જ પાણી ફરી વળતાં લોકોને સલામત રીતે બહાર કાઢવા માટે એરફોર્સ, SDRF અને ફાયરબ્રિગેડની ટીમો કામે લાગી હતી. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાંગા, જોગવડ, વોડીસંગ, ધુડશિયા, કોંજા, અલિયાબાડા, ધુંવાવ વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં હાલ રાહત અને બચાવની કામગીરી ચાલુ થઈ હતી. કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બનતાં અલિયાબાડા ગામમાં પૂરના પાણી ઘૂસ્યાં હતાં. અલિયાબાડા ગામમાં ઘરનાં એક-એક માળ પાણીમાં ગરકાવ થતાં લોકો જીવ બચાવવા ઘરની છત પર ચઢી ગયા હતી. જામનગર જિલ્લાના કાલાવડ-ધ્રોલ-જામજોધપુર પંથકમાં પડેલા સાંબેલાધાર વરસાદના કારણે અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે, ત્યારે કાલાવડ તાલુકાના ગામમાં 9 વ્યક્તિ ફસાયા હોવાથી જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એરફોર્સના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે, અને લોકોને એરલીફ્ટ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી લેવામાં આવી હતી. જેના ભાગરૂપે બાંગા ગામમાં 9 વ્યક્તિને એરલીફ્ટ કરીને બચાવી લેવામાં આવ્યા હતા. ઉપરાંત મોડા ગામના ફસાયેલા 14 વ્યક્તિને એરલીફ્ટ કરાયા છે.
રાજકોટ 11 ઇંચથી પૂર જેવી સ્થિતિ
શનિવાર અને રવિવારે રાજકોટમાં ભાદરવો ભરપૂર થયો હતો અને મેઘરાજાએ રૌદ્ધ સ્વરૂપ દર્શાવ્યું હતું. રાજકોટ જિલ્લાને 11 ઇંચથી વધુ વરસાદમાં શહેર આખું જળબંબાકાર બની ગયું હતું. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં 5-5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં હતા. રાજકોટનીી આજી નદીના આસપાસના વિસ્તારોમાં પણ લોકોને એલર્ટ કરાયા છે. આજી નદી ગાંડીતૂર બનતાં રામનાથ મહાદેવ મંદિરમાં પાણી ઘૂસી ગયાં હતા.
જૂનાગઢમાં 14 ઈંચ સુધી વરસાદ-વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો
રવિવારની રાત્રિથી સોમવાર બપોર સુધીમાં જૂનાગઢ જિલ્લાના નવેય તાલુકામાં 2થી 14 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. વિસાવદર પંથકમાં ચાર કલાકમાં 15 ઇંચ વરસાદ વરસી ગયો હોવાના અહેવાલ હતા. સોનરખ અને કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. ગિરનાર પર્વત પર અને જૂનાગઢ શહેરમાં પણ 6થી 10 ઇંચ જેવો ભારે વરસાદ વરસી જતાં મહાનગરની મધ્યમાંથી પસાર થતી સોનરખ અને કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યાં હતા અને નરસી મહેતા સરોવર ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારો-રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. ગિરનારમાં પડેલા ભારે વરસાદને પગલે જૂનાગઢ શહેરની જીવાદોરી સમાન વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થઇ ગયો હતો.