ભારતમાં નવેમ્બર દરમિયાન 645 વખત ભારે વરસાદની અને 168 વખત અતિશય ભારે વરસાદની ઘટના નોંધાઈ છે, જે પાંચ વર્ષમાં માસિક ધોરણે સૌથી વધુ છે, એમ ભારતીય હવામાન વિભાગે બુધવારે જણાવ્યું હતું.
દ્વીપકલ્પીય ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની સૌથી વધુ ઘટના નોંધાઈ છે. તેનાથી આંધ્રપ્રદેશમાં 44, તમિલનાડુમાં 16, કર્ણાટકમાં 15 અને કેરળમાં ત્રણના મોત થયા હતા. દ્વીપકલ્પીય ભારતમાં તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને દક્ષિણ કર્ણાટકનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ નવેમ્બરમાં 204.5 મીમીથી વધુ વરસાદ સાથેની કુલ 11 અતિભારે વરસાદની ઘટના નોંધાઈ હતી, જે ગયા વર્ષ જેટલી જ સંખ્યા છે. દેશમાં 2019, 2018 અને 2017માં અતિવરસાદની અનુક્રમે ઝીરો, ચાર અને એક ઘટના નોંધાઈ હતી.
દેશમાં નવેમ્બર દરમિયાન ભારે વરસાદની 645 (64.5થી 115.5 મીમી) ઘટના અને અતિ ભારે વરસાદની 168 ઘટના (115.6 મીમીથી 204.5 મીમી) નોંધાઈ હતી, જે પાંચ વર્ષમાં સૌથી વધુ છે.
ચાલુ વર્ષના નવેમ્બરમાં ભારે વરસાદની ઘટનાની કુલ સંખ્યા છેલ્લાં ચાર વર્ષની કુલ ઘટના કરતાં વધુ છે. 2020માં આવી 247, 2019માં 116, 2018માં 135 અને 2017માં 139 ઘટના નોંધાઈ હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષના દ્વીપકલ્પીય ભારતીય નવેમ્બરમાં 89.5 મીમી સરેરાશ કરતાં 160 ટકા વધુ વરસાદ આવ્યો હતો. નવેમ્બરમાં કુલ 232.7 મીમી વરસાદ નોંધાયો હતો, જે 1901 પછીથી સૌથી વધુ છે.
સમગ્ર દેશમાં નવેમ્બરમાં 56.5 મીમી વરસાદ પડ્યો હતો, જે 30.5 મીમીના સરેરાશ વરસાદ કરતાં 85.4 ટકા વધુ છે. નવેમ્બરમાં પાંચ વખત લો પ્રેશર સિસ્ટમ બની હતી.દ્વીપકલ્પીય ભારતમાં તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને દક્ષિણ કર્ણાટકનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં ડિસેમ્બરમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે.