ગુજરાતમાં અમદાવાદથી લઇને દક્ષિણ, મધ્ય ગુજરાતમાં મેઘતાંડવ સર્જાયું છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં રાજ્યના દક્ષિણના વિસ્તાર, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના દરિયા કિનારાના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ છે.
11મી જુલાઇએ દક્ષિણ ગુજરાત છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે પંચમહાલ, ભરૂચ, સુરત, તાપી, વડોદરા અને દમણ, દાદરા નગર હવેલી; કચ્છ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં પણ અલગ-અલગ સ્થળોએ પણ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
12મી જુલાઇએ દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લા ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીના કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના સુરત અને તાપીના અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમકે અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે. આ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, નર્મદા અને વડોદરા તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે.
13મી જુલાઇએ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જેમ કે ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીના અનેક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત અને તાપી તથા સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ અને નર્મદા તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી, પોરબંદર અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે.