તાજેતરમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના મોટા ભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ આવ્યો હોવા છતાં રાજ્યમાં વરસાદની 41 ટકા ઘટ સાથે ચોમાસુ પણ નબળું રહ્યું છે. રાજ્યમાં 5 સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ ૧૬.૪૬ ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર ૪૯.૭૮% વરસાદ નોંધાયો હતો. રાજ્યના ૧૨ જિલ્લામાં વરસાદની ૫૦%થી વધુ ઘટ હતી, જ્યારે પાંચ તાલુકામાં હજુ સુધી કુલ પાંચ ઈંચ વરસાદ પણ પડયો નથી.
રાજ્યના જે જિલ્લામાં હજુ વરસાદની ૫૦%થી વધુ ઘટ છે તેમાં અમદાવાદ-અરવલ્લી-બનાસકાંઠા-દાહોદ-ગાંધીનગર-ખેડા-મહીસાગર-પંચમહાલ-સાબરકાંઠા-તાપી-વડોદરાનો સમાવેશ થાય છે. ગાંધીનગર જિલ્લામાં સૌથી વધુ 63 ટકા વરસાદની ઘટ છે. વાવ-થરાદ-સાંતલપુર-લાખાણી અને લખપત એમ પાંચ તાલુકામાં કુલ પાંચ ઈંચ પણ વરસાદ નોંધાયો નથી. જેમાં બનાસકાંઠાના વાવમાં સૌથી ઓછો ૩.૦૩ ઈંચ, થરાદમાં ૩.૦૭ ઈંચ વરસાદ નોંધાયો છે.
પ્રદેશવાર જોઇએ તો દક્ષિણ ગુજરાતમાં ૩૨.૬૨ ઈંચ સાથે મોસમનો સૌથી વધુ ૫૬.૬૯% જ્યારે ૮.૬૨ ઈંચ સાથે કચ્છમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. આ વખતે ૬૯ એવા તાલુકા છે જ્યાં ૯.૮૪ ઈંચથી ઓછો વરસાદ છે. ગુજરાતમાં જૂનમાં સરેરાશ ૪.૭૩ ઈંચ, જુલાઇમાં ૬.૯૫ ઈંચ, ઓગસ્ટમાં ૨.૫૭ ઈંચ, સપ્ટેમ્બરમાં હજુ સુધી ૨.૧૪ ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.