ગુજરાતમાં આ વર્ષે ચોમાસની સિઝનમાં શરૂઆતમાં દુકાળનો ભય ઊભો થયો હતો, પરંતુ સપ્ટેમ્બર મહિનામાં સાર્વત્રિક મેઘમહેર સાથે 14.1 ઇંચ વરસાદ થતાં રાજ્યમાં સરેરાશ 94 ટકા વરસાદ થયો હતો. રાજયમાં 3 ઓક્ટોબર સુધીમાં સિઝનનો સરેરાશ 31.04 ઈંચ વરસાદ થયો છે. રાજ્યના 33માંથી 14 જિલ્લાઓમાં સીઝનનો 100% વરસાદ નોંધાયો છે. જેમાં દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, આણંદ, ભરુચ, કચ્છ, ભાવનગર, બોટાદ, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદાનો સમાવેશ થાય છે. જામનગર જિલ્લામાં સૌથી વધારે સિઝનનો 138% વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં ઝોન પ્રમાણ વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 113 અને કચ્છમાં સીઝનનો 111 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 92 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 83 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં હજુ પણ વરસાદની 29 ટકા જેટલી ઘટ છે. અહીં 71 ટકા વરસાદ આ સીઝન દરમિયાન પડ્યો છે.
ઓગસ્ટ સુધીમાં માત્ર 14.31 ઈંચ વરસાદ થતા પાણીની ભારે અછત સર્જાશે તેવી ભીતિ ઉભી થઈ હતી. રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાન હતા અને વરસાદની ભારે ઘટ નોંધાઈ હતી, બંગાળની ખાડીમાં બનેલું ગુલાબ વાવાઝોડું ડીપ્રેશનમાં પરિવર્તિત થઈને ગુજરાત પહોંચ્યું હતું, જોકે, આ પછી અરબી સમુદ્રને મળ્યા બાદ આ ડીપ્રેશન ફરી એકવાર વાવાઝોડામાં પરિવર્તિત થયું હતું, આવી ઘટના જવલ્લેજ જોવા મળતી હોય છે. ડીપ્રેશન શાહીન વાવાઝોડામાં પરિવર્તિત થયા બાદ તે પાકિસ્તાન તરફ આગળ વધ્યું હતું. હવે તે અબુ ધાબીની નજીક પહોંચ્યું છે.