રાજયમાં દુકાળ જેવી સ્થિતિ સ્થિતિ ઊભા થયા બાદ સપ્ટેમ્બરના પ્રારંભથી મેઘરાજા ગુજરાત પર મહેરબાન થયા છે. હવામાન વિભાગના ડેટા મુજબ મંગળવારે સાંજે પુરા થતાં 24 કલાકમાં રાજ્યમાં કેટલાક સ્થળે ભારે સહિત 121 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ સુરત શહેરમાં સતત બીજા દિવસે વરસાદ નોંધાયો હતો. જેમાં ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદથી શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા.
આ ઉપરાંત પલસાણા, સુઈગામ, નવસારી, કોટડા સાંગાણીમાં ત્રણ ઈંચ, ધ્રાંગધ્રા, કપરાડા, ગોધરા, ગઢડા, ઓલપાડમાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના 65 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો હતો. મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ સહિતના વિસ્તારમાં પણ વરસાદથી વાતાવરણ સર્જાતા ગરમીથી ઠંડક પ્રસરી હતી. ઉત્તર ગુજરાતમાં ધાનેરા અને દાંતિવાડામાં મીની વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો. દાંતીવાડા તાલુકામાં ઝાડ પડતા વીજકરંટથી આધેડ અને પશુનું મોત નીપજ્યું હતો.
બંગાળની ખાડીમાં લો-પ્રેશરથી વરસાદી સિસ્ટમનું નિર્માણ થતાં સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલો વરસાદ યથાવત રહેતા મંગળવારે સુરતમાં વધુ ચાર ઈંચ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. પલસાણા તાલુકામાં 79 મીમી, ઉમરપાડામાં 57 મીમી વરસાદ ખાબકયો હતો. જિલ્લામાં તાલુકાવાર વરસાદ જોઇએ તો બારડોલીમાં 33, ચોર્યાસીમાં 43,કામરેજમાં 59, મહુવામાં 27,માંડવીમાં 4,માંગરોલમાં 7,ઓલપાડમાં 36 તેમજ પલસાણામાં 83 સહિત સીટીમાં 93 મીમી વરસાદ ખાબકયો હતો.
મધ્ય ગુજરાતમાં દિવસભરના ઉકળાટ બાદ વડોદરા જિલ્લામાં મોડી સાંજે ડભોઇ તાલુકામાં 6 મીમી, કરજણ ખાતે 2 મીમી, પાદરા ખાતે 10 મીમી, વડોદરા ખાતે 18 મીમી, વાઘોડિયા ખાતે 9 મીમી વરસાદ નોંધાયો હતો. આણંદ શહેર સહિતના આસપાસના વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો.