ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં 17 જુલાઈ સુધીમાં 19 ઇંચ સાથે સરેરાશ 56.13 ટકા વરસાદ નોંધાયો હતો. રાજયમાં અત્યાર સુધી સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ થયો હોય તેવો એકમાત્ર જિલ્લો કચ્છ છે. રાજયના કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૦૧.૭૯ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૭૧.૮૮ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૫૬.૬૧ ટકા, પૂર્વ ગુજરાતમાં ૪૩.૭૨ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૩૯.૯૧ ટકા કુલ વરસાદ નોંધાયો હતો. રાજ્યના 16 તાલુકામાં 2થી 4.62 ટકા, 73 તાલુકામાં 4.96થી 9.84 ટકા, 82 તાલુકામાં 9.88થી 19.72 તથા 54 તાલુકામાં 19.52થી 39.37 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત 26 તાલુકાામાં 40 ઇંચથી વધુ વરસાદ થયો હતો
રાજ્યમાં 22 જુલાઇથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગની આગાહી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24થી 26 જુલાઈ દરમિયાન દરિયાઈ કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે તથા 30 જુલાઈ સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
રવિવારે 17 જુલાઈએ રાજ્યમાં મોટાભાગના સ્થળોએ વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 19 ઈંચ સાથે સિઝનનો 57 ટકા વરસાદ પડ્યો છે. 17 જુલાઈના રોજ રાજ્યમાં 46 ડેમ હાઈ એલર્ટ પર હતા, જ્યારે 12 ડેમ એલર્ટ પર હતા. રાજ્યના સૌથી મોટા ડેમ સરદાર સરોવરમાં 52 ટકાથી વધુ પાણીનો જથ્થો હતો. ગુજરાતમાં આ વર્ષે જુલાઈમાં ભારે વરસાદને કારણે દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જાઈ હતી.