અરબી સમુદ્રમાં ઉભું થયેલા લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં છેલ્લાં બે દિવસથી વરસાદી માહોલ છે. પહેલી અને પહેલી ડિસેમ્બરે રાજ્યના 55 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં ચાર કલાકમાં સૌથી વધારે 23મીમી વરસાદ થયો હતો. રાજ્યમાં 4 ડિસેમ્બર સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનું જોર રહેવાની આગાહી છે.
વરસાદના કારણે અમદાવાદ શહેર ઠંડુંગાર બન્યું હતું અને હિલસ્ટેશન જેવો માહોલ ઉભો થયો છે અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અન્ય ભાગોમાં કમોસમી વરસાદના કારણે ખેતી અને ઉભા પાકને નુકસાન થવાની ફરિયાદો ઉઠી રહી છે.
ગુરુવારે સવારથી નર્મદા જિલ્લાના તિલકવાડામાં અને ગરુડેશ્વરમાં વરસાદ નોંધાયો હતો. જ્યારે છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં આ સિવાય સુરતના માંગરોળમાં અને વડોદરાના ડભોઈમાં વરસાદ થયો હતો. રાજ્યમાં વરસાદી માહોલ ઉભો થયો છે. આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. ગીર સોમનાથના ઉનાના નવાબંદરેથી 6થી 8 માછીમારો દરિયામાં બોટ તૂટી જવાના કારણે ગુમ થયા હતા.
વરસાદી માહોલ ઉભો થવાના કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હજુ પણ આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.