ગુજરાતમાં ચોમાસાની આ સિઝનમાં 22 ઓગસ્ટ સુધીમાં વરસાદની 59 ટકા ખાધ રહી છે. રાજ્યમાં વાર્ષિક 840મીમીની સરખામણીમાં અત્યાર સુધી 348મીમી જ વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધારે વરસાદ દક્ષિણ વિસ્તારોમાં નોંધાયો છે. હવામાન વિભાગના ડેટા અનુસાર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 68%, સૌરાષ્ટ્રમાં 63%, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 62% તેમજ દક્ષિણ ગુજરાતમાં 49% ઓછો વરસાદ નોંધાયો છે.
ડેટા અનુસાર અમદાવાદ શહેરમાં વાર્ષિક સરેરાશ 795મીમી વરસાદની સરખામણીમાં અત્યાર સુધી માત્ર 310મીમી વરસાદ જ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં 61 ટકા વરસાદ ઓછો વરસ્યો છે. હવમાન વિભાગની આગાહી અનુસાર આગામી ચાર દિવસમાં રાજ્યમાં હળવો કે સમાન્ય વરસાદ આવી શકે છે.
રવિવારના રોજ અમદાવાદ શહેરમાં માત્ર નામ માત્રનો વરસાદ પડ્યો હતો. ભારે ઉકળાટ અને ગરમીનો સામનો કરી રહેલા અમદાવાદીઓ મેઘરાજાને પ્રાર્થના કરી રહ્યા છે કે આગામી સપ્તાહમાં શહેરમાં મન મૂકીને વરસે, જેથી અમદાવાદીઓને ગરમીથી રાહત મળે. પરંતુ મેટ વિભાગના અધિકારીઓ કહી રહ્યા છે કે, આગામી પાંચ દિવસમાં શહેરમાં સારો વરસાદ પડવાની શક્યતાઓ ઘણી ઓછી છે.